સુશાસન માટે પ્રજાજનોનો વિશ્વાસ બરકરાર રાખીશું : વાસણભાઇ આહિર

અંજાર તાલુકામાં ૩૧૯ લાખના રસ્તાઓના પેકેજનું દેવળિયામાં કરાયુું ખાતમુહૂર્ત

 

અંજાર : દેવળીયા ખાતે રૂા.૩૧૯ લાખના ખર્ચવાળા રીસરફેસીંગ શીણાય-દેવળીયા રોડ. સીસરફેસીંગ ઝરુ રોડ, રીસરફેસીંગ બીટ્ટાવલાડીયા એપ્રોચ રોડ, રીસરફેસીંગ ભુવડ, મથડા રોડ, મળી કુલ રૂ.૩૧૯ લાખના રસ્તાઓના પેકેજનું શાસ્ત્રોકતવિધિએ ખાતમૂહૂર્ત કરતાં રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે સુશાસન માટેની પ્રજાજનોની શ્રધ્ધયેતા બરકરાર રાખવાનો દિલોદગાર વ્યકત કરતાં સંનિષ્ઠતા, પ્રમાણિકતાવાળા જનપ્રતિનિધિ બનવા સૌ ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, સુજ્ઞજનોને અનુરોધ કર્યો હતો. તેમણે પુન સત્તારૂઢ થયા પછી તેમણે તથા તેમની વાયબ્રંટ સરકારે જનહિતકારી અનેક નિર્ણયો લેવામાં કદી પાછું વળીને જોયું નથી ને ગુજરાતને દેશમાં અવ્વલ કરવામાં તેમની ટીમ એકજુટ છે ને રહેશે તેવું છાતી ઠોકીને જણાવ્યું હતું. તેમણે હજુ તેમની સરકારે ૩ મહિના થવામાં છે ને કરોડોનાં નાનાં મોટા વિકાસકામો શરૂ કરી દેવાયાં છે તેનો સદ્રષ્ટાંત ઉલ્લેખ કરતાં ઓણની ટર્મમાં વિકાસના અભૂતપૂર્વ વિક્રમોની વણજાર ખડી કરી દેવાનો તેમનો દ્રઢનિર્ધાર દોહરાવતાં સર્વ સન્તુઃ સુખીન, સર્વ ભવન્તુઃ નિરામયાનો ગગનભેદી જયઘોષ કર્યો હતો. તેમણે બાજુના કુંભારીયા ગામના કુંભારીયા-ભુવડ રોડની જન અપેક્ષા વહેલી તકે પૂર્ણ કરી દેવાશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે જિ.પં. કારોબારી અધ્યક્ષ નવીનભાઇ ઝરુ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઇ જાંટીયા, અંજાર તા.પં.કાર્યકારી પ્રમુખ દેવજીભાઇ સોરઠીયા, અંજાર તાલુકા ભાજપા અધ્યક્ષ શંભુભાઇ આહીર, ગાંધીધામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિખિલભાઇ હડીયાએ સમગ્ર કચ્છ પ્રદેશની ખેવના રાખતા, ડગલને પગલે સંવેદના દાખવતા રાજયમંત્રી શ્રી આહિરને ડગલને પગલે સહયોગ આપવાનો નિર્ધાર વ્યકત કરતાં વાસણભાઇને સૌના હિતેચ્છુ, સૌનું ભલું કરનારા સાચા, સંનિષ્ઠ જન ગણાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહતં રામચંદ્ર દાસજીએ આશિર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સતત ૩ વર્ષ શ્રેષ્ઠ કામગીરી કરનાર આઇસીડીએસના ઈલાબેન સેવકનું મંત્રીએ ખાસ સન્માન કર્યુ હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય, શાબ્દિક આવકાર મા.અને મકાન (પં) નાકાઇ શ્રી મિશ્રાએ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપા મહામંત્રી કાના શેઠે કર્યુ હતું. આભારવિધિ દેવળીયાના વડીલજન હિંમતભાઇ ચાવડાએ કરી હતી, તો મંત્રી મહાનુભાવોનું કચ્છી પાઘ શાલ, પુષ્પે સ્વાગત દેવળીયા સરપંચ શ્રીમતી અનીતાબેન ચૌહાણે, ઉપસરપંચ નાગલબેન પચાણ, ગ્રામ પંચાયત સભ્ય ઝાકીરાબેન લધડ, ઈલાબેન સેવક, ગાભારામ દાફડા, સલેમાન સિધિક તથા ઓસમાણભા આગેવાન, દયારામ માધવજી તથા ગ્રામજનોએ કર્યુ હતું. મહતં રામચંદ્રદાસજી તથા પુજારી ચંદ્રકાંતભાઇએ આસપાસના ગામોના સરપંચોએ મંત્રીનું ખાસ સન્માન કર્યુ હતું. આ પ્રસંગે ગાંધીધામ તા.પં.પ્રમુખ લક્ષ્મીબેન સોધમ, તા.પં.સભ્ય ગોવિંદભાઇ ડાંગર, બબાભાઇ બલાસરા, સરપંચ ગોપાલ હડીયા, કરશનભાઇ ગોયલ, હરિભાઇ પૂર્વ સરપંચ, મનેજર હરિશ મુલચંદાણી, વીડી સરપંચ ઈકબાલ જત, ઉપસરપંચ રમેશભાઇ, ચંદ્રકાંતભાઇ પુજારી, કાંતીભાઇ મેઘજી, રવજી મનજી, રણમલભાઇ સરપંચ, જીવાભાઇ સરપંચ, કિશાન મોર્ચાના ડાહયાભાઇ, સરપંચ મહેશભાઇ, શૈલેષ પટેલ, પટેલ હુશેનભાઇ, ટીડીઓ શ્રી ચાવડા, ડીઆઇસીના અખિલેશ અંતાણી, માહિતીના દિલીપસિંહ રાઠોડ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.