સુરેન્દ્રનગરના થોરિયાળી પાસે ડમ્પર પર જીવંત વીજ વાયર પડતા ચાલકનું મોત

(જી.એન.એસ)સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગરના થોરીયાળી ગામે જીવંત વાયર ડમ્પર પર પડતા ડમ્પર ચાલકનું મોત નિપજતા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હતી. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે મોત નિપજતા પરિવારજનો સહિત લોકોમાં ઉગ્ર રોસ જોવા મળ્યો હતો. પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પીજીવીસીએલની ઘોર બેદરકારીના લીધે હાઇવે પર નીચે લટકતા જીવંત વાયર મોતના ઉઘાડા દ્વાર સમા બનવા પામ્યા છે. ક્યારેક આવા જીવંત વાયર નિર્દોષ લોકોનો ભોગ લેવાની ઘટના સામે આવે છે. આવી જ એક ગોઝારી ઘટના આજે સુરેન્દ્રનગર જીલ્લાના થોરીયાળી હાઇવે પર બનવા પામી છે. સુરેન્દ્રનગરના થોરીયાળી ગામે દૂધની ડેરી પાસેથી પસાર થતાં જીવંત વાયર ડમ્પર પર પડતા ડમ્પર ચાલક દશરથભાઇ ભાવુભાઇ કાનજીયાને વિજ શોક લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જેમાં વીજશોર્ટથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દશરથભાઇ ભાવુભાઇ કાનજીયાનું મોત નિપજતા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હતી.