સુરત પોલીસ કમિશનરે દારૂના અડ્ડા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ : સુરતના વિવિધ સોશ્યલ મિડીયમાં એક ચોંકાવનારો વીડીયો વાયરલ થયો હતો. જેમાં વરાછા વિસ્તારમાં આવેલી લાભેશ્વર ચોકીથી માત્ર ૧૦૦ મીટર દુર આવેલા એક કોમ્પ્લેક્સમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. અને ઘણા લોકો બિન્દાસ્ત રીતે દારૂ પી રહ્યા છે અને બાઇટીંગથી માંડીને દારૂ પીરસવા માટે ખાસ સ્ટાફ પણ હાજર હતો. આ આ વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કમિશનર સતીષ શર્માને જાણ થતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને વરાછા પોલીસને લાભેશ્વર પોલીસ ચોકીના પાછળ આવેલા દારૂના અડ્ડા પર દરોડો પાડવાની સુચના આપી હતી. જેમાં પોલીસે દરોડો પાડીને દારૂનો મોટા જથ્થો જપ્ત કરીને બુટલેગર તેમજ દારૂનો ધંધો કરતા વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથોસાથ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી પોલીસ ચોકીના પીએસઆઇ તેમજ બે પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) લેવલના અધિકારીને તપાસ સોંપી હતી.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક પોલીસની મદદથી જ આ દારૂનો ધંધો ચાલતો હતો. અને લોકો પોલીસની હાજરીમાં જ દારૂ પીવા આવતા હતા. જો કે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી તે સારી બાબત છે. પણ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ પગલા ભરવા જરૂરી છે અને તપાસમાં ખાતાકીય જ નહી પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઇ છે.