સુરતથી ગાંધીધામ બસમાં આવતી બે મહિલા ૧પ કિલો ગાંજા સાથે વડોદરામાં ઝડપાઈ

સુરતના મનીષ નામના સપ્લાયર પાસેથી ગાંધીધામની બે દેવીપુજક મહિલાઓએ ગાંજો મેળવ્યો હતો

 

ગાંધીધામ : પંદર કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ગાંધીધામની દેવીપૂજક બે મહિલાઓને વડોદરા પોલીસે ઝડપી પાડી છે. સુરતથી જથ્થો લઇને આ બંન્ને મહિલાઓ ગાંધીધામ જવા નીકળી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના બસ સ્ટેન્ડ પર બે મહિલાઓ ગાંજા સાથે ગાંધીધામ તરફ જવાની હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે બે મહિલાઓને પકડી પાડી હતી. તેઓની પૂછપરછ કરતાં કાંતાબેન વિજયભાઇ દેવીપુજક તથા તેના ભાભી મનુબેન સુરેશભાઇ દેવીપુજક (બન્ને રહે. ખોડીયારનગર ઝુપડપટ્ટીગોપાલપુરી)ની હોવાનુ જણાવ્યુ હતુ. આ બંન્નેની પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૧૫.૩૩૦ કિ.ગ્રા, તથા બે મોબાઇલ ફોન, રોકડા રૂા.૫૦૦૦ સહિત મુદામાલ મળી આવ્યો હતો.
વિમલ પાન મસાલાના કાપડના થેલાઓમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો સુરત ખાતેથી મનિષ નામની વ્યક્તિ પાસેથી લઇને આવ્યા હતા. જે ગાંધીધામ ખાતે લઇ જવાના હતા.
પોલીસે બંન્નેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.