સુરજબારી હાઈવે પરથી પોલીસે કારમાંથી 1.35 લાખનો શરાબ ઝડપ્યો

ભચાઉ : તાલુકાના સામખિયાળી-સુરજબારી હાઈવે પરથી સામખિયાળી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગની કામગીરીમાં કારમાંથી 1 લાખ 35 હજારનો શરાબ ઝડપી પાડ્યો હતો. કાર સહિત પોલીસે 5 લાખ 35 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, સુરજબારી હાઈવે પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને અટકાવી આ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની 360 નંગ બોટલ કબ્જે કરાઈ હતી. સામખિયાળી પીએસઆઈ એ.વી. પટેલની રાહબરી તળે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે જીજે 12 બીઆર 8686 નંબરની કારમાંથી 1 લાખ 35 હજારનો દારૂ ઝડપાયો હતો. જ્યારે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે 4 લાખની કાર, એક મોબાઈલ મળી 5 લાખ 35 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં સામખિયાળી પીએસઆઈ એ.વી. પટેલ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડોડીયા, કોન્સ્ટેબલ ભવાનભાઈ ચૌધરી, અશ્વિનગીરી ગોસ્વામી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.