સુરજબારી નજીકથી પૂર્વ કચ્છ એલસીબીએ 2.80 લાખના બાયોડિઝલ સાથે એકને ઝડપ્યો

હાઈવે હોટલ પર લોખંડના ટાંકામાં મોટર ફીટ કરી ગેરકાયદેસર રીતે કરાતું હતું વેંચાણ

ભચાઉ : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહી બાયોડિઝલ તેમજ બેઝ ઓઈલનું બેફામપણે વેંચાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર બાયોડિઝલના કરાતા વેપલા પર ધોંશ બોલાવી હતી. સુરજબારી ટોલનાકા નજીક આવેલી હાઈવે હોટલ પર લોખંડના ટાંકામાં મોટર ફીટ કરીને ગેરકાયદેસર રીતે વેંચાતા બાયોડિઝલનો પર્દાફાશ કરી 2 લાખ 80 હજારના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી પૂર્વ કચ્છ એલસીબીનો સ્ટાફ ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈની રાહબરી તળે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે સુરજબારી ટોલનાકા પાસે આવેલ સાગર આઈમાતા હોટલની બાજુમાં રેઈડ પાડવામાં આવી હતી. આ સ્થળે લોખંડના ટાંકામાં ઈલેક્ટ્રીક મોટર ફીટ કરીને ટાંકામાંથી પેટ્રોલિયમ પ્રવાહી બાયોડિઝલનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરવામાં આવતું હતું. પોલીસે બનાવ સ્થળે પાડેલા દરોડામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે રહેતા સોહિલભાઈ હારૂનભાઈ ડાઢીયાની અટકાયત કરી હતી. આરોપીના કબ્જામાંથી 2 લાખ 80 હજારની કિમતનો 4 હજાર લિટર બાયોડિઝલનો જથ્થો, 30 હજારની કિમતનું ફ્લુઅલ ભરવા માટે નોઝલ અને ઈલેક્ટ્રોનિક આઉટલેટ મશીન, 80 હજારનો લોખંડનો ટાંકો અને 7 હજારની મોટર મળીને કુલ 3 લાખ 97 હજારનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો હતો. આ બાબતે ભચાઉના મામલતદારને જાણ કરી મુદ્દામાલનો કબ્જો સામખિયાળી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ બી.જે. જોષી સહિતનો સ્ટાફ જોડાયો હતો.