સુમરાસરમાં દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ

૬૦થી ૭૦ એકર જમીન કરાવાશે મુક્ત : છ – સાત દબાણકારો દ્વારા જુવાર, બાજરી, એરંડા, કપાસ સહિતના પાકોનું કરાયું છે વાવેતર : ભુજ મામલતદાર શ્રી રોહિત, સર્કલ ઈન્સ્પેકટર શ્રી ઠાકર સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણો કરાયા દૂર

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામે લાંબા સમયથી ચરીયાણા જમીન પર દબાણનો મુદ્દો માથાના દુખાવા સમાન બન્યો છે. માથાભારે લોકો દ્વારા દર વર્ષે આ જમીન પર સેંકડો એકરમાં દબાણ કરવામાં આવતું હોઈ તંત્ર દ્વારા તેને દુર કરાય છે. પરંતુ ફરી ત્યારબાદ દબાણકારો અડીંગો જમાવી દેતા હોય છે ત્યારે ફરી ૬૦ એકરથી વધુ જમીન પર દબાણ થઈ જતા આજે આ જમીન દબાણ મુક્ત કરવા કામગીરી હાથ ધરાઈ હતી.
આ અંગેની વિગતો મુજબ સુમરાસર શેખ ગામે ચરીયાણાની જમીન પર દબાણકારો દ્વારા ખેડાણ કરી વાવેતર કરવામાં આવતું હોય છે. તંત્ર દ્વારા આ દબાણો અનેક વખત દુર કરાયા હોવા છતા રીઢા દબાણકારો ફરી દબાણ કરી તંત્રના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. રાજકિય સાંઠ-ગાંઠના લીધે આ દબાણો થતા હોઈ તંત્ર પણ દબાણકારો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં પાછીપાની કરાતી હોય છે. ત્યારે ફરી ચરીયાણ પર દબાણકારોએ કબજા જમાવી લેતા આજે આ દબાણ દુર કરાયું હતું.
આ અંગે પ્રાપ્ત થયેલ વિગતો મુજબ સુમરાસરની ઉત્તર બાજુએ આવેલ ચરીયાણની ૬૦થી ૭૦ એકર જમીન પર ૬થી ૭ દબાણકારોએ દબાણ કરી જુવાર, બાજરી, એરંડા, કપાસ સહિતના પાકોનું વાવેતર કરી નાખતા આજરોજ ભુજ મામલતદાર શ્રી રોહિત, સર્કલ ઈન્સપેકટર શ્રી ઠાકર સહિતના જવાબદાર અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ચરીયાણ જમીનને દબાણ મુક્ત કરાવી હતી.