સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહનો આખો સ્ટાફ કોરોના પોઝિટિવ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ભારતમાં કોરોનાવાયરસ વધુ ખતરનાક બનતો જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહના ઘરનો આખો સ્ટાફ કોરોનાવાયરસથી સંક્રમિત થયો છે. ન્યાયાધીશે ગુરુવારે સુનાવણી દરમિયાન આ બાબતે જાણકારી આપી હતી.જસ્ટિસ શાહ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતા વાળી બેચમાં સામેલ છે. તેમણે વકીલોને કહ્યું કે તેમના આધિકારિક ઘર ઉપર તમામ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારબાદ જસ્ટિસની બેચે તેનું કામકાજ બંધ કર્યું હતું.આ બાબતે એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્ય ભાટીએ કહ્યું હતું કે અદાલતે આ પરિસ્થિતિમાં થોડો સમય લેવો જોઈએ. છેલ્લા કેટલાક દિવસમાં સુપ્રીમ કોર્ટના ૪૦થી વધુ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના પરિસરમાં આવનાર કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણ હોય તો તેનો આરટીપીસીઆર ટેસ્ટ અનિવાર્ય છે. ઉપરાંત તમામ જજો, વકીલ અને કર્મચારીને કોરોના ટેસ્ટ નિયમિત રીતે કરવો ફરજીયાત છે.