સુથરીમાં જુગાર રમતા ૯ ખેલીઓ ૧૦,૯૦૦ની રોકડ સાથે ઝડપાયા

મધ રાતે કોઠારા પોલીસે રહેણાક વિસ્તારમાં દરોડો પાડી જામેલા ખેલમાં ભંગ પાડ્યો

ભુજ : અબડાસા તાલુકાના સુથરી ગામે જુગાર રમતા ૯ ખેલીઓને કોઠારા પોલીસે રોકડા રૂપિયા ૧૦,૯૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. મહત્વની બાબત એ છે કે રાતના અંધારામાં લાઈટના અજવાળે જુગારીઓ પોતાનું નસીબ અજમાવતા હતા. ત્યારે કોઠારા પોલીસે છાપો મારી જુગારના જામેલા પડમાં ખલેલ પાડી હતી.કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મત રાત્રીના પોલીસે સુથરી ગામે કોલીવાસમાં ગાભા અભા કોલીના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. જયાં લાઈટના અજવાળે ગોળ કુંડાળું કરી ૯ શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા. જેથી પોલીસે તમામ શખ્સોની અટકાયત કરી અંગ ઝડતી કરી હતી. સ્થળ પરથી જુગાર રમતા ગામના જ ગાભા અભા કોલી, રામસંગજી દામસંગજી ખોડ, અભુભખર સુલેમાન ગજણ, ઈસ્માઈલ સીદીક ગજણ, જીતેશ ગાભા કોલી, રામજી ગાભા કોલી, આરીખાણા ગામના ભગવાનજી પ્રભાતસંગ જાડેજા, હરજી જુમા કોલી અને ભેદી ગામના તેજમાલ જીવણજી સોઢાને ઝડપી લેવાયા હતા. જેઓ પાસેથી ૧૦,૯૦૦ રોકડા, ૬ મોબાઈલ, ૪૦ હજારની ૩ બાઈક મળી કુલ ૬૪,૪૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો.