સુઝલોનની પવનચક્કીના પાપે અબડાસામાં ૧ મોરનું ‘વન્સ મોર’ મૃત્યુ

રાજ્ય સરકાર દ્વારા બિનપરંપરાગત ઉર્જા માટેની ઉદાર નીતિનો ગેરફાયદો ઉઠાવતી વિન્ડમીલ કંપનીઓ સામે કાયદાનો કડક દંડો ઉગામવાનો સમય હવે આવી ગયો છે : એક ચકલી મરી જાય તો રાડો રાડ કરી મુકતા જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓ રાષ્ટ્રીય પક્ષીના મૃત્યુના વણથંભ્યા સિલસિલા પછી પણ ચુપ કેમ ?

 

 

વીજ વાયરને રાષ્ટ્રીય પંખી સ્પર્શી જતા બન્યો બનાવ : વનતંત્ર અને વહીવટીતંત્રની બેદરકારીથી વન્ય જીવોનો લેવાતો ભોગ

 

ત વખતે પાંચ મોત, દેખાડાયું એક અને કાર્યવાહી શુન્ય
ભુજ : છેવાડાના અબડાસા તાલુકામાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીઓના લીધે મીઠી ઝાડીઓનો તો સોથ વળ્યો જ છે તેની સાથે હવે અન્ય પંખીઓની સાથો સાથ રાષ્ટ્રીય પક્ષી મોર સામે પણ સંકટના વાદળો ઘેરાયા છે. થોડા સમય પૂર્વે જ પવનચક્કીઓના લીધે એકી સાથે પાંચ મોરના મોત થયા હોવાનું ધારાસભ્યે જાહેર કર્યું હતું પરંતુ વન વિભાગે ઢાંક પિંછોડો કરી માત્ર એક જ મોત થયું હોવાનું કહ્યું, એટલું જ નહીં કાર્યવાહીના નામે માત્ર ‘શુન્ય’ જ સામે આવ્યું છે. વન વિભાગની કહેવાતી હપ્તાખોરીની નીતિના લીધે સુઝલોન દ્વારા જે અંધેર રાજ ચલાવાઈ રહ્યું છે, તેનાથી હવે વન્યસંપદાઓની સાથે હવે રાષ્ટ્રીય પક્ષી પણ જોખમમાં મુકાયા છે.

 

 

અબડાસા ધારાસભ્ય સહિતનું પ્રતિનિધીમંડળ
સોમવારે કલેક્ટરને કડક પગલા લેવા કરશે રજુઆત
નલિયા : અબડાસાના વમોટી મોટી ગામે અગાઉ સુઝલોનની પવનચક્કીઓના લીધ મોરના મૃત્યુના બનાવો બની ચુક્યા છે તે વચ્ચે ગઈકાલે ફરી એક વખત ૧ મોરનું મૃત્યુ થતા અબડાસાના ધારાસભ્ય પ્રઘ્યુમનસિંહ જાડેજાએ કડક કાર્યાવાહીની માંગ કરી છે. આવતીકાલે સોમવારે કચ્છના કલેક્ટરને ધારાસભ્ય પી.એમ.જાડેજા, જિ.પં.સભ્ય હઠુભા સોઢા સહિતનું પ્રતિનિધી મંડળ મળશે જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરના પવનચક્કીઓના લીધે થઈ રહેલા મૃત્યુના બનાવો અટકવવાના કડક પગલા લેવા માટે રજુઆત કરાશે. વનતંત્ર અને કંપની હવે વધુ મોરનો ભોગ ન લેવાય તે માટે જરૂરી પગલા વેળાસર ભરાય તેવી ભાર પૂર્વકની માંગ કરશે.

 

કોલસાની પરમીટો આપવા ઝડપભેર કાર્યવાહી કરતું વનતંત્ર
મોરના મૃત્યુની તપાસ કરી પગલા ભરવામાં ઢીલું કેમ ?
નલિયા : કોલસાની પરમીટો આપવામાં ઝડપભેર કાર્યવાહી કરતું અબડાસાનું વનતંત્ર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુની તપાસ કરી પગલા ભરવામાં કેમ ઢીલું પડી રહ્યું છે ? તેવા સવાલો અબડાસામાં થઈ રહ્યા છે.
તાલુકાના વમોટીમોટી ગામે રાષ્ટ્રીય પક્ષીના સુઝલોનની પવનચક્કી અને તેના વિજતારના લીધે મૃત્યુના બનાવો અગાઉ પણ બની ચુક્યા હતા. ગઈકાલે વધુ એક ઘટના બની ત્યારે અગાઉની ઘટનાઓમાં શું પગલા લેવાયા તેની વિગતો પણ વનતંત્ર દ્વારા જાહેર કરાય અને શું પગલા કસુરદારો ઉપર લેવાયા તેની પણ વિગતો જનતાને આપવી જોઈએ કેમ કે વનતંત્રની કામગીર ઉપર પણ હવે સવાલો થઈ રહ્યા છે.વમોટી વિસ્તારમાં મોરની સંખ્યા વધુ પ્રમાણમાં છે ત્યારે તેના સંરક્ષણ માટે મોરની વસતીનો સર્વે કરી તેને ખલેલ ન પહોંચે તે માટે ગાર્ડોને તાલીમ આપી વન્યપ્રાણીઓને સુરક્ષિત કરાય તે જરૂરી બન્યું છે.

 

જલ, વાયુ અને જમીન પ્રદુષણ સાથે ધ્વનિ પ્રદુષણ ફેલાવતી
પવનચક્કીઓની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કરે તપાસ
નલિયા : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જલ, વાયુ અને જમીન પ્રદુષણની ફરીયાદો ઉઠે ત્યારે કાર્યવાહી કરાય છે તેમ પવનચક્કીઓના તોતીંગ પાંખડાના પરિભ્રમણ વખતે સર્જાતા ઘોંઘાટના લીધે વન્ય જીવોને અને માનવ વસતીને થતી ખલેલની તપાસ કરવી પણ જરૂરી છે. આ અંગે લાલા વિસ્તારમાં ઘોરાડને લગતા કિસ્સામાં નોટીશ પણ જાગૃત નાગરીકના વકીલ દ્વારા અપાઈ છે, ત્યારે વમોટી મોટી અને અન્ય વિસ્તારમાં કેટલા ડેસીબલનો અવાજ પવનચક્કીઓના પાંખડાના લીધે ઉત્પન્ન થાય છે અને તે સરકારી નિયમોથી વધુ છે કે મર્યાદામાં છે તેનો રિપોર્ટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ બનાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે.

 

…તો મોરની દફનક્રિયા કલેક્ટર કચેરીમાં કરાશે
નખત્રાણાઃ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ટેલીફોનિક વાતચીતમાં એવો ચોંકાવનારો નિર્દેશ આપ્યો હતો કે, મોરના મૃતદેહની હાલત ખરાબ છે, પરંતુ જો પરવાનગી મળી તો કલેક્ટર કચેરીમાં જ રાષ્ટ્રીય પક્ષીને પુરા સન્માન સાથે દફન કરાશે તથા તેની શ્રદ્ધાંજલિ સભા પણ ત્યાં યોજાશે. આ કાર્યક્રમમાં અબડાસાવાસીઓ-પર્યાવરણપ્રેમીઓ વગેરેને મોટી સંખ્યામાં હાજર રહેવા તેમણે અપીલ કરી હતી.

 

ભુજ : પાપી પવનચક્કીઓને કારણે રાષ્ટ્રીય પંખીના થતા કરૂણ મોતનો સિલસિલો યથાવત છે, તેવામાં ફરી વમોટી મોટી અને કંઢાય વચ્ચેની સીમમાં વિન્ડમિલના વીજતારને કારણે મોરનું મોત નિપજ્યું હતું. અબડાસાના મોટી વમોટી ગામની સીમમાં થયેલા વધુ એક મોરના મૃત્યુને પગલે વન વિભાગ અને વહીવટીતંત્રની સામે અનેક સવાલો ખડા થઈ રહ્યા છે. ગઈકાલે વમોટી મોટી ગામની સીમમાં સુઝલોનની પવનચક્કીના તારના સંપર્કમાં આવવાથી રાષ્ટ્રીય પક્ષીના રામ રમી ગયા હતા. આ અંગે ગ્રામજનોએ દ્વારા વનતંત્રનું ધ્યાન દોરવામાં આવતા નલિયા ઉત્તર રેન્જ દ્વારા પંચનામું કરી મોરનું શબ નલિયા ખાતેની વન કચેરીમાં લાવવામાં આવ્યું હતું. નલિયા ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.બી. ઝાલાએ સત્તાવાર માહીતી આપતા જણાવ્યું હતું કે ૧ મોરનું મૃત્યુ થયું છે તેનો મૃતદેહ નલિયા ખાતે લાવવામાં આવતાં પશુ ડોક્ટર ડો. માલીવાડ સાથે અન્ય ડોક્ટરોની ટીમ દ્વારા આ વખતે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
કોઈ નાનું પક્ષી પણ મરી જાય તો રાડોરાડ કરી મુકતા જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓ વમોટીમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુના વણથંભ્યો સિલસિલો છતા કેમ ચુપ છે તેવી ચર્ચા પણ અબડાસામાં થવા લાગી છે. વનતંત્ર દ્વારા બનાવ બને ત્યારે કડક કાર્યવાહી કરાશે તેવી કેસેટ વગાડાય છે પણ વમોટીના અગાઉ બનેલા કિસ્સાઓમાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ ન હોઈ વનતંત્રની કામગીરી સામે પણ સવાલો ખડા થઈ રહ્યા છે. બિન પરંપરાગત ઉર્જા માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર નીતિ ઘડવામાં આવી હોત વિન્ડમીલ કંપનીઓ તેનો અબડાસામાં ગેરફાયદો ઉઠાવી રહી હોઈ કાયદાનો કડક ડંડો ઉગામવાનો સમય હવે આવી ગયો છે તેવું નાગરીકો જણાવી રહ્યા છે.વન્ય જીવસૃષ્ટિ સંરક્ષણ કાયદાના અબડાસામાં લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે વનતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યાં વારંવાર મોરના મૃત્યુના બનાવો બની રહ્યા છે તેવા વમોટીમોટી ગામની પવનચક્કીઓની મુલાકાત લઈ ઘોરાડના સંરક્ષણ માટે જેમ વિજ લાઈન ઈન્સ્યુલેટેડ કે અંડરગ્રાઉન્ડ કરવા સુચના અપાઈ હતી તેવા પગલા લેવાય તે પણ જરૂરી બન્યું છે.
આ ગંભીર મામલે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રમાણે પશ્ચિમ કચ્છમાં આવેલા પવનચક્કી પ્રોજેક્ટને કારણે કુદરતી સંપદા તેમજ વન્ય જીવોનું નિકંદન થઈ રહ્યું છે. જેમાં ફરીથી એક વખત વિન્ડમિલ પ્રોજેક્ટના વીજ વાયરને સ્પર્શી જતા એક મોરનું મોત થયું છે. રાષ્ટ્રીય પંખીના એક પછી એક મોત નિપજી રહ્યા છે અને વન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી, તેવામાં પવનચક્કી પ્રોજેક્ટના પ્રતિનિધિઓ બેફામ બન્યા છે.
સ્થાનિકો દ્વારા કોઈપણ રજૂઆત થાય તો પણ કંપનીના જવાબદારો ગાંઠતા નથી. શ્રી જાડેજાએ કચ્છ ઉદયને જણાવ્યું હતું કે, આ રીતે મોરના થતા મૃત્યુ પાછળ પવનચક્કી પ્રોજેક્ટ તો જવાબદાર છે જ પરંતુ સાથે વનતંત્ર અને વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર છે કેમ કે અગાઉ પણ મોરના મોત અંગે અનેક રજૂઆતો કરાઈ હતી, પરંતુ નિંભર થઈ ગયેલું તંત્ર કોઈપણ  પગલા લેતું નથી.