સુજલામ્‌ સુફલામ્‌ યોજના ‘જળસંચય’ના બદલે બની ‘ધનસંચય’ યોજના

ખાણેત્રાના નામે તળાવમાંથી ડમ્પરો ભરીને ઉસેડાતી કાંપવાળી કિંમતી માટી : ગામડાઓમાં તળાવો ઉંડા કરવા મશીનરી લગાડાઈ પણ તળાવની માટી સ્થાનિકે ઉપયોગમાં લેવાના બદલે અમુક સ્થળોએ ખાનગી જમીનોમાં ઠાલવી દેવાતી હોવાની ચર્ચા

ભુજ :  રાજ્ય સરકાર દ્વારા સૂજલામ્‌ સુફલામ્‌ જળસંચય યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત ચોમાસાની સીઝનમાં તળાવો ઉંડા હોય તો વધુ વરસાદી જળનો સંગ્રહ તળાવમાં થઈ શકે તેવો હેતું વ્યક્ત કરાયો છે, જેથી ઉનાળા દરમિયાન ગામડાઓ અને શહેરોમાં આવેલા તળાવ ઉંડા કરવામાં આવે છે. જેથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે પરંતુ સૂજલામ્‌ સુફલામ જળસંચય યોજનાની વ્યાખ્યા બદલી કેટલાક લોકોએ તેને ધન સંચય યોજના બનાવી દીધી છે.

આ અંંગેની વિગતો મુજબ સરહદી અને સુકા મુલક કચ્છ માટે આ યોજના આશિર્વાદરૂપ રહી છે કારણ કે, જિલ્લામાં માનવીઓ કરતાં પશુધનની વસતી ઘણી વધારે છે. શહેરો અને અમુક ગામડાઓ જ નર્મદા પર આધારીત છે. મોટાભાગના અંતરિયાળ ગામડાઓ આજે પણ પાણી માટે વરસાદ પર આધારીત છે. જેથી સૌ કોઈ ઈચ્છે છે કે તેમના ગામનું તળાવ ઉંડુ થાય અને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય પરંતુ કોન્ટ્રાકટરોની અધિકારીઓ સાથેની મિલિભગત અને જે તે વિસ્તારમાં સત્તામાં બિરાજીત જનપ્રતિનિધિ તેમજ રાજકારણીઓની દખલ અંદાજીથી આ યોજના ભ્રષ્ટાચારને વેગ આપતી બની ગઈ છે.

સરકારનો હેતુ એવો છે કે ગામનું પાણી ગામમાં રહે તે માટે તળાવો – ડેમો ઉંડા કરી તેમાંથી જે માટી બહાર આવે તે સ્થાનિકના ખેડૂતોને આપવી ઉપરાંત એ માટી તળાવ કે ડેમની પાળ પર પાથરી સુરક્ષા વધારવી જાે કે આ કામો થતા નથી. ખેડૂતો કાંપવાળી માટી લેવા જાય તો ૭/૧રના ઉતારા લઈ આવો, મામલતદારની મંજૂરી લઈ આવો જેવા બહાના રજુ કરી તેઓને લાભથી વંચીત રાખી દેવાય છે, બીજીતરફ તળાવની પાળ પર ભાગ્યે જ માટી પથરાય છે. બાકી તો ડમ્પરો ભરી ખાનગી માલિકીના સ્થળે કોઈના ઈશારાથી માટીનો જથ્થો પહોંચાડી દેવાય છે. અબડાસા હોય કે, માંડવી, વાગડ હોય કે જિલ્લા મથક ભુજ તમામ સ્થળોએ આ પ્રકારે ગેરરીતી ચાલી રહી છે તેવો આક્ષેપ જે તે ગામના લોકો કરી રહ્યા છે.

ચર્ચાતી વિગતો મુજબ વરસાદની સીઝન નજીક છે તેમ છતાં કેટલાક સ્થળોએ તો તળાવો ઉંડા થયા જ નથી, જેથી વરસાદમાં તળાવ ભરાઈ જશે એટલે કોન્ટ્રાકટરો અને અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ તળાવ ઉંડુ કર્યું છે તેવું કહી ખોદકામ અને મશીનરીના ખર્ચાના મસ મોટા બિલ બનાવાય તો પણ નવાઈ નહી કારણ કે, ૧ એપ્રિલથી ૩૧મી મે સુધીની આ યોજના છે, જેમાં શરૂઆતના પ૦ દિવસોમાં કચ્છમાં માત્ર ર૩ કામો જ પૂર્ણ થયા હતા. બાકીના ૧૦ દિવસમાં ૭૩૦ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. ઘણા ગામોમાં તો હજુ શ્રીફળ પણ વધેરાયું નથી એવી સ્થિતિમાં એકાદ – બે દિવસ જેસીબીથી ડમ્પર ભરી ઉપર છલી કામગીરી કરી આ તળાવ કે ચેકડેમ ઉંડુ કર્યું છે તેવું બતાવી સરકારને ભ્રમીત કરવામાં આવશે. મોટાભાગે આ પ્રકારની ગેરરીતિ જે ગામોમાં વધુ વરસાદ પડે છે અથવા મોટા ડેમ અને નદીનાળાની નજીકમાં આવેલા છે. તેવા ગામોમાં જ થાય છે, જેથી વરસાદના સમયે આરામથી આ તળાવો છલોછલ ભરાઈ જાય છે. વરસાદનું પાણી આવા ભ્રષ્ટાચારોને ઢાંકી દે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જિલ્લામાં માત્ર ૩૮૮ તળાવોનું ખોદકામ ચોમાસાની સીઝન પૂર્વે થઈ શકયું હતું. આ વર્ષે આંગણીના વેઢે ગણાય તેટલા કામો જ પૂર્ણ થયા છે. યોજના અંતર્ગત મોટાભાગના કામો પ્રગતિમાં હોવાથી ૩૧મી મેના મુદ્દત પુરી થવાથી અધવચ્ચે ખાણેત્રું મુકીને અથવા તો એકાદ બે ડમ્પર માટી ભરી આ કામ પૂર્ણ થયાનું દર્શાવી યોજનાનો હેતું નિરર્થક કરી દેવાય તેવો ખેલ પાડવા તૈયારીઓ આરંભાઈ છે.

ગામડાઓના સરપંચો જાગે, લાલચ પ્રલોભનથી દૂર રહી ગામહિતમાં વિચારે

જાે સરપંચો જ ‘ભ્રષ્ટાચાર’ના વહેતા પાણીમાં હાથ ધોતા નજરે પડે તો ગામના જાગૃત લોકો સરપંચનો ચહેરો કરે ‘બેનકાબ’

ભુજ :  જિલ્લામાં ગામે ગામ તળાવો આવેલા છે, કેટલાક સ્થળોએ સરકાર દ્વારા તો કેટલાક સ્થળોએ સીએસઆર અંતર્ગત કંપનીઓ દ્વારા તળાવનું ખાણેત્રુ કરી અપાય છે. ગામડાઓમાં તળાવના ખોદકામ દરમિયાન ગામની માટી અન્યત્ર ન પહોંચી જાય અને તળાવનું વ્યવસ્થિત રીતે ખોદકામ થાય અને એ માટી તળાવની ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવા ઉપયોગમાં લેવાય તો જ સુજલામ્‌ સૂફલામ્‌ યોજના ગ્રામજનો માટે ચોમાસાનું પાણી સંગ્રહ કરવાની સરકારની યોજના સાર્થક થશે.

આ માટે દરેક ગામોમાં સરપંચોએ જાગૃત થવાની જરૂરિયાત છે. તળાવનું ખાણેત્રુ કરતા અમુક કોન્ટ્રાકટરો, કામદારો કે સરકારી બાબુઓ સાંઠગાંઠ રચી ઉપરછલી દેખાડવા પુરતી કામગીરી ન કરે તે માટે સ્થળ પર સતત મોનિટરીંગ રાખવાની જવાબદારી છે. આ સમયે લાલચ અને પ્રલોભન પણ મળશે પણ ગામના પ્રથમ નાગરિક હોવાના નાતે હજારો ગ્રામજનોની જવાબદારી તેમના શીરે હોય ત્યારે ગ્રામજનોના હિતમાં લાલચ પ્રલોભનથી દૂર રહી તળાવનું સુવ્યવસ્થિત રીતે ખાણેત્રુ થાય તે પ્રજાહિતમાં રહેશે. જાે સરપંચો જ ભ્રષ્ટાચારના વહેતા પાણીમાં હાથ ધોતા નજરે પડે તો ગામના જાગૃત લોકો સરપંચનો ચહેરો લોકો સમક્ષ બેનકાબ કરે તે સમયની માંગ છે.