સીરિયામાં હવાઇ હુમલાનો દોર : ૮૦૦થી વધુના મોત

દોઉમા : સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉતામાં મંગળવારના દિવસે મોટા પાયે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઇ હુમલામાં મોટી ખુવારી થઇ છે. હિંસામાં તેજીને ધ્યાનમાં લઇને ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવવા માટેની માંગ કરવામાં આવી છે. સીરિયામાં માનવ અધિકાર સાથે જોડાયેલી સંસ્થાએ કહ્યુ છે કે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા ૮૦૦થી વધારે લોકોમાં ૧૭૭ બાળકોનો સમાવેશ થાય છે. યુદ્ધગ્રસ્ત સીરિયામાં રશિયાને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે હવાઇ હુમલામાં રશિયન પરિવહન વિમાન સીરિયાના એક વિમાનીમથક પર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાનમાં રહેલા ૩૨ લોકોના પણ મોત થઇ ગયા છે. દમિશ્કની નજીક બળવાખોરોના અંકુશવાળા વિસ્તારમાં હાલમાં વ્યાપક હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. બળવાખોરોના કબજાવાળા અંતિમ વિસ્તાર પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઘોઉતામાં સુરક્ષા પરિષદ દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની માંગ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. હવાઇ હુમલાના કારણે સીરિયામાં અતિ ભારે નુકસાન થયુ છે. હજારોની સંખ્યામાં લોકોને અન્યત્ર ખસી જવાની ફરજ પડી રહી છે. ગઇકાલે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા હતા. સતત હવાઇ હુમલા વચ્ચે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્રની તાકીદની બેઠકની માંગ કરાઇ છે.