સીતારામન, ગોયલ, પ્રધાન મહત્ત્વની સંસદીય સમિતિમાં

નવી દિલ્હીઃ પ્રધાનમંડળમાં ત્રીજી સપ્ટેમ્બરે કરવામાં આવેલા ફેરફાર બાદ સંસદીય સમિતિઓમાં પણ ફેરફાર કરાયા છે અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ તથા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને મહત્ત્વની સંસદીય સમિતિમાં સામેલ કરાયા છે. સીતારામનને હવે વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી સંસદની સુરક્ષા સમિતિમાં સામેલ કરાયા છે. આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન અરુણ જેટલી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ છે. સંસદની અકોમોડેશન માટેની સમિતિમાં રાજ્ય કક્ષાના શહેરી વિકાસ પ્રધાન (સ્વતંત્ર ચાર્જ) હરદીપસિંહ પુરીને સ્થાન અપાયું છે. લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી તથા એસએસ અહલુવાલિયાને સંસદીય સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોની સમિતિમાં વિજય ગોયલ અને અર્જુનરામ મેઘવાળને ખાસ આમંત્રિત તરીકે સામેલ કરાયા છે. સિતારામ, ગોયલ અને પ્રધાનને રાજકીય બાબતો અને આર્થિક બાબતોની સમિતિમાં સામેલ કરાયા છે. ઉમા ભારતી હવે કોઇપણ સંસદીય સમિતિના સભ્ય નથી.