સીએમ રૂપાણીની ડિનર ડિપ્લોમસીઃ આજે સરકાર – સંગઠન અને સંઘ ભેગા થશે

લોકસભાની ચૂંટણી પહેલા સંકલન વધારવાની કવાયત

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપે સતત છઠ્ઠી વખત સત્તાના સૂત્રો સંભાળ્યા છે. એની સાથોસાથ વિધિવત રીતે ચૂંટાઇને બીજી વખત મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીને ભાજપ હાઇકમાન્ડે બાગડોર સોંપી છે ત્યારે હવે નવી ઇનિંગ્સમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના પ્રોત્સાહક દેખાવ બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરતાં પહેલા સીએમ રૂપાણીએ ડિનર ડિપ્લોમસી થકી પોતાની સરકારના પ્રતિનિધિઓ, સંગઠન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે બુધવારે રાત્રિ ભોજન સહ બેઠકનું આયોજન કર્યું છે. સામાજિક આંદોલન અને ચૂંટણી પહેલા ઊભા થયેલા જાતિ-જ્ઞાતિના સમીકરણોથી ડહોળાયેલા વાતાવરણ વચ્ચે ભાજપને સતત છઠ્ઠી વખત સત્તા મળી છે, પરંતુ હવે સામાજિક સમીકરણોની સાથે લોક સમસ્યાઓના ઉકેલ, જનમાનસમાં આવી રહેલા પરિવર્તન સાથે તાલમેલ વધારવા માટે કેવી વ્યૂહરચના હોવી જોઇએ એ દિશામાં મુખ્યમંત્રી રૂપાણીએ મંથન શરૂ કર્યું છે. રૂપાણી સરકારની રચના ટાણે જ વિભાગોની વહેંચણી મુદ્દે સર્જાયેલા વિખવાદ પછી પ્રથમ વખત સરકાર, સંગઠન અને સંઘની એક સંયુક્ત ઔપચારિક ભોજન સહ બેઠક મળી રહી છે. પરંતુ બહુધા આવી બેઠક એ ભાવિ રણનીતિનો સંકેત આપતી હોય છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ તેના સંગઠનને નવેસરથી ઠીક કરવા સાથે સરકારની વહીવટી તંત્ર પર નવેસરથી પકડ પ્રસ્થાપિત કરવા મથામણ કરી રહી રહ્યો છે તેમાં આવી બેઠક વધારે ઉપયોગી થશે, તેમ સૂત્રો કહે છે. ભાજપ સંગઠનમાંથી સરકારમાં ભાગીદારી સમાન બોર્ડ-નિગમોમાં કેટલીક નિમણૂકોને પણ ક્લિયર કરવામાં આ મંથન ઉપયોગી બનશે.