સીએમ ડેશ બોર્ડ દ્વારા પબ્લિક ડીલીંગ વિભાગોનું સીધું મોનીટરીંગ મુખ્યમંત્રી કાર્યાલયથી થશે : મુખ્યમંત્રી

ગાંધીનગર : સી.એમ.ડેશ બોર્ડ દ્વારા સરકારના પબ્લિક ડીલીંગ વિભાગોનું સીધુ મોનીટરરીંગ મુખ્યમંત્રી કાર્યાલયથી થશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
સી.એમ.ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ મીડીયા સમક્ષ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કંન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે.રાજ્યના બધા જ જિલ્લા કલેકટરો, ડી.ડી.ઓ, એસ.પી.ને પ્રતિ માસ ૮ થી ૧૦ મુદાઓ ફોકસ પોઈન્ટ તરીકે આપીને એ વિષયોમાં એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે આવા ફોકસ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્ધી કોમ્પિટીશન થશે અને અધિકારીઓની એફસિયન્સીનું સતત મોનીટરીંગ પણ શક્ય બનશે.
તેમણે જણાવ્યું હતુ કે આના પરિણામે કાર્યદક્ષતા વધશે. આ ડેશ બોર્ડમાં હાલ ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઈન્ડકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અને તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલસ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ૩ કોલ આપી કામગીરી પૂર્ણ કરવાની સતત સુચના અને દેખરેખ રખાય છે. આ ડેશ બોર્ડ સરકારનું ત્રીજુ નેત્ર બનીને પારદર્શીતા થી ટેકનોલોજી ના ઉપયોગથી ગુડ ગર્વનન્સનો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સી.એમ.ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્યના વિવિધ વિભાગોની આઈ.ટી.ટીમ અને ડેશ બોર્ડના સંકલનથી આ પધ્ધતિને વધુ પરીણામ લક્ષી બનાવાશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.