(જી.એન.એસ)સાંતેજ,ગાંધીનગર જિલ્લાના કલોલથી મોટી ભોંયણ તરફ જતા રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થતી સીએનજી રિક્ષાને સામેથી આવતી આઇસર ટ્રકના ચાલકે ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ખાઈને રોડની સાઈડમાં ચોકડીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર બે મુસાફરો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સાતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કલોલના સાતેજ ગામે માદણ વાસમાં રહેતા પોપટજી વિહાજી ઠાકોરનાં ૩૦ વર્ષીય નાના ભાઈ જતીનજી ઠાકોર સીએનજી રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે જતીનજી તેની રીક્ષામાં બે મુસાફરો લઇને કલોલથી મોટી ભોંયણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે આઈસર ટ્રક (નંબર GJ-02-VV-2004)ના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સામેથી ધડાકાભેર રીતે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે રોકાણકારો રીક્ષા ઉછળીને પલટી મારી જઈ રોડની સાઈડમાં ચોકડીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.રિક્ષામાંમાંથી જતીનજી તેમજ બે મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડી આપ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જતીનજી ઠાકોરનું ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે સાતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.