સિંધુ જળ કરાર મુદે ફરી નાપાક બોલ

નવી દિલ્હી : પાકિસ્તાનનું કહેવું છે કે સિંધુ જળ સમજૂતીમાં સંશોધન કરવાના કોઈપણ એકતરફી કોશિશને તે સ્વીકારશે નહીં. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યુ છે કે,  પાકિસ્તાન સિંધુ જળ કરારમાં પોતાને ભાગે આવેલી જવાબદારીનું નિર્વહન કરી રહ્યું છે. હાલની  પાકિસ્તાની સરકારમાં વિદેશ પ્રધાન ખ્વાજા આસિફ  પુરોગામી નવાઝ શરીફની સરકારમાં જળ અને ઊર્જા પ્રધાન પણ હતા. સિંધુ જળ સમજૂતી- મુદ્દાઓ અને ભલામણો વિષય પર આયોજિત સેમિનારમાં તેમણે કહ્યુ છે કે, સમજૂતીના નિયમમાં ફેરફારની ભારતની કોઈપણ પ્રકારની એકતરફી યોજનાને પાકિસ્તાન મંજૂરી આપશે નહીં. આ સેમિનારનું આયોજન ઈસ્લામાબાદ ખાતેની રણનીતિક અધ્યયન સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યુ છે કે,  પાણીના મામલે ભારત દબાણ બનાવવામાં લાગેલું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં સિંધુ જળ કરાર પર હસ્તાક્ષર થયા હતા.  આ પહેલા વિશ્વ બેંકની મદદથી બંને દેશો વચ્ચે નવ વર્ષો સુધી વાતચીત ચાલતી રહી હતી. આ કરારમાં વિશ્વ બેંક પણ એક પક્ષકાર છે.