સામાન્ય મરંમતના અભાવે ધોળા હાથી સમાન સાબિત થતો અબડાસાના ગોલાયનો બંધારો

ગત વરસાદની સિઝનમાં તળમાં પડેલા ગાબડાનું રીપેરીંગ ચોમાસા પહેલા ન થાય તો ૩ કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલા ડેમથી લાભાન્વિત ૭ ગામોના લોકો માટે ખતરો : ૧૭ કરોડના ખર્ચે બનેલો બંધારાનો ખર્ચ એળે જવાની ભીતિ

નલીયા : સરકારી રાહે થતા કામો કેટલી ગોકળગતિએ ચાલે છે તેનો વરવો નમુનો અબડાસાના ગોલાય ખાતે રૂા.૧૭ કરોડના ખર્ચે બનેલ બંધારો સાબીત કરી રહ્યું છે જેમાં ગત ચોમાસે ડેમના તડમાં પડેલ ગાબડું હજુ સુધી મરંમત ન કરાતા આજુબાજુના ૭ ગામના લોકો ઉપર ખતરો ઉભો થવાની દહેશત ઉભી થઈ છે.
સુત્રોમાંથી મળતી માહીતી મુજબ અબડાસાના દરિયાકિનારાની ખારાશ અને ક્ષાર અટકાવવા માટે તાલુકામાં વિવિધ દરિયાકાંઠાના ગામોમાં બંધારા નિર્માણ કરાયા હતા.જેના લીધે સ્થાનિક નદીઓના પાણી દરિયામાં જતા અટકે અને તે પાણી ભુતળમાં ઉતરે અને દરિયાના પાણી ગામોમાં આવતા અટકે.બંધારાની યોજના હેઠળ અબડાસાના ગોલાય ગામે વર્ષ ૨૦૧૦ માં રૂા.૧૭ કરોડના માતબર ખર્ચે બંધારો નિર્માણ કરવામાં આવેલ હતો.બંધારાના લીધે ગાલયા સાથે ગુનાઉ, ભગોડીવાંઢ, મોટીબેર, નવાવાસ, વાલાવારી વાંઢ, રોહારો એમ ૭ ગામના ખેડુતોને અત્યંત લાભકારક પરિણામો મળ્યા હતા.કાયમ પાણીની અછત ભોગવતા આ ગામોના લોકોને પીવા માટે પણ આ બંધારાના ડેમનું પાણી ઉપયોગી થઈ રહ્યું હતું.દરમ્યાન બંધારાના પહેલા જ વરસે કોંક્રીટના પાળામાં ગાબડું પડેલ હતું જે તે સમયે રીપેરીંગ કરાતા ગત ચોમાસા સુધી આ બંધારો ઉપયોગી સાબીત થયો હતો.ગત ચોમાસા દરમ્યાન બંધારાના કોંક્રીટના પાળાની મીઠા પાણી તરફ બે જગ્યાએ ડેમના તળમાં ગાબડા અચાનક પળી ગયા હતા જના લીધે જે નદી (મણીયારા નદી) ઉપર આ બંધારો બંધાયો હતો તેના પાણી ભુતળમાં ચાલ્યા ગયા હતા અને આખા વરસ દરમ્યાન દરિયાકિનારાના પાણી ગાબડાના લીધે ગામ તરફ આવવાનો સીલસીલો શરૂ થયો હતો.હાલ પણ તેજ હાલત છે.જેના લીધે દરિયાકિનારાની ખારાશ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલો રૂા.૧૭ કરોડનો માતબર ખર્ચ સામાન્ય મરંમત તળના રીપેરીંગ ન કરવાના લીધે એળે જાય તેવી ભીતી છે.હજુ પણ ચોમાસા પહેલા આ તળનું રીપેરીંગ યુધ્ધના ધોરણે હાથ ધરાય તો બંધારાનું રક્ષણ થાય તેમ છે.અન્યથા આજુબાજુના ૭ ગામના લોકો માટે ચોમાસા દરમ્યાન અને ત્યારબાદ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી ભીતી રહેલી છે.કચ્છઉદયની ટીમ દ્વારા બંધારાની રૂબરૂ મુલાકાત સમયે આજુબાજુના ગામોમાંથી મોટીબેર જુથ ગ્રામ પંચાયતના સરપંચ મામદભાઈ સુમારભાઈ જત, રોડાસર જુથ ગ્રામ પંચાયતના સરપંચ ઈસમાઈલ સાલે જત, અકરી જુથ ગ્રામ પંચાયતના સરપંચ જુમાભાઈ હાજી જાકુબ, ગુનાઉના માજી ઉપ-સરપંચ સીધીક આમદ જત વગેરે ઉપસ્થિત રહી હાલની પરિસ્થિતી જણાવી તાત્કાલિક તળનું રીપેરીંગ હાથ ધરવા માંગ કરી હતી. આ બાબતે સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટીવ ઈજનેર શ્રી પાડવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આ સંદર્ભે હજૂ સુધી મારી પાસે કોઈ ફરિયાદ કે રજૂઆત આવેલ નથી. તેમ છતાં ટીમને સ્થાનિકે મોકલાવી તપાસ કરાવાશે. અને જરૂરી કામગીરી હાથ ધરાશે.