સામાજીક જવાબદારી નિભાવવામાં વેલસ્પન ગ્રુપની અનોખી પહેલ અંજાર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને મળ્યા ર૦ શિક્ષકો

રાજ્યમંત્રીની અપીલને ઔદ્યોગીક જુથનો પ્રતિસાદ : વાસણભાઈ આહિરના હસ્તે અપાયા નિમણૂંક પત્રો

 

અંજાર : અંજાર નગરપાલિકા સંચાલિત અંજાર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં નવા ર૦ શિક્ષકો ફાળવાતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે તમામને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગતો મુજબ અંજાર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ હોઈ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી હતી. રાજ્યમંત્રી વાસણભાઈ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરાતા તેમણે વેલસ્પન ગ્રુપને સહયોગ આપવા અપીલ કરતા આ ઔદ્યોગીક એકમ દ્વારા સકારાત્મક પ્રતિસાદના ભાગરૂપે ર૦ શિક્ષકો અપાતા આ તમામોને આજરોજ નિમણૂંક પત્રો અપાયા હતા. શહેરની શાળા નં. ૩ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વાસણભાઈ આહિરે જણાવેલ કે, કચ્છમાં સામાજીક જવાબદારી નિભાવવામાં વેલસ્પન ગ્રુપ પ્રથમ ક્રમે છે. પાલિકા હસ્તકની શાળાઓમાં વર્તમાને ર૦ શિક્ષકો ફાળવાયા છે ત્યારે આગામી સમયમાં છ કાયમી શિક્ષકોને પણ નિમણૂંક અપાશે. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ થકી કચ્છમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટયો હોવાની સાથોસાથ શિક્ષણનું સ્તર ઉંચું આવ્યું હોઈ આ બદલ તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યકત કર્યો હતો. તો શિક્ષકોને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ ટકોર કરી હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. અંજારના વિકાસમાં હરહંમેશ સહયોગ આપનારા સ્વ. રાજુભાઈ કોડરાણીને આ વેળાએ યાદ કરાયા હતા.
આ કાર્યક્રમમાં જ્યોત્સનાબેન દાસ, જયશ્રીબેન ઠક્કર, કરીમાબેન રાયમા, ગાયત્રીબા ઝાલા, કિશોરભાઈ ખટાઉ, તેજસભાઈ મહેતા, રસીલાબેન ચૌહાણ, મહેન્દ્રભાઈ કોટક, મહેન્દ્રભાઈ ચંદે, હસમુખભાઈ કોડરાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિજેતા શિક્ષક માવજીભાઈ મહેશ્વરીનું ખાસ સન્માન કરાયું હતું.