સામખિયાળી હાઈવે પર કાર પલટતા ૧નું મોત, પ ઘાયલ

ભચાઉ : તાલુકાના સામખિયાળી માળિયા હાઈવે પર સહયોગ હોટલ નજીક કાર પલ્ટી મારી જતા ચાલકને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય પ જણને ઈજાઓ પહોંચી હતી. સામખિયાળી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ નાડાપામાં રહેતા અને મૂળ બોટાદના ૩ર વર્ષિય ભૂપેન્દ્રભાઈ કેશાભાઈ પરમાર (વાલ્મીકી) તેમના પત્ની જ્યોતિબેન, ૬ વર્ષિય પુત્રી વંદના, અઢી વર્ષિય પુત્ર દેવરાજ, કાકા પ્રવીણભાઈ અને કાકી કારમાં તેમના વતન બોટાદ જતા હતા. દરમિયાન સામખિયાળી માળિયા હાઈવે પર સહયોગ હોટલ નજીક ટ્રકને ઓવરટેક કરતી વખતે ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યું હતું. જેમાં ભુપેન્દ્રભાઈ કારમાંથી ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે બાળકો તેમના પત્ની અને કાકીને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. બનાવને પગલે સામખિયાળી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.