સામખિયાળીમાં વીજ થાંભલા ઉપરથી પટકાતા પીજીવીસીએલ કર્મચારીનું મોત

ભચાઉ : તાલુકાના સામખિયાળી ગામે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર કામ કરતી વેળાએ અકસ્માતે જમીન ઉપર પટકાતા પીજીવીસીએલ કર્મચારીને ગંભીર ઈજાઓ થતા સારવાર નસીબ થાય તે પહેલા મોત આંબી ગયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે ૬ઃર૦ કલાકે ઘટના બની હતી. પીજીવીસીએલમાં નોકરી કરતા હેલ્પર સંદિપભાઈ બચુભાઈ ગામેતી (ઉ.વ.૩૬) સામખિયાળી ગામે વીજ થાંભલે ચડીને કામ કરતા હતા ત્યારે વીજ શોક લાગતા થાંભલા ઉપરથી જમીન ઉપર પટકાતા માથા તથા શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા જીઈબીની ગાડીમાં સારવાર માટે ભચાઉ વાગડ વેલફેરમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધેલ. સામખિયાળી પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સટેબલ ભૂપેન્દ્રસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. પીજીવીસીએલ કર્મીનું અકસ્માતે મોત થતા પરિવારજનો તથા જીઈબીના કર્મચારીઓમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.