સાપુતારા પાસે ગોઝારો અકસ્માત : ૧૦ના મોત

સુરતઃ કડોદરા નગરના યુવાનો રક્ષાબંધનના પર્વે ઇનોવા કારમાં ફરવા જતાં માત્ર ૬ કિમીના અંતરે જ બલેશ્વરગામે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ૧૦ યુવાનોને કાળ ભરખી ગયો છે. આ યુવાનો ગાડી ખરીદવા સોદો કરવાના હતા. જોકે, તે
પહેલા તે ટેસ્ટ કરવા માટે ૧૨ યુવાનો એક જ કારમાં લોંગ ડ્રાઇવ સાપુતારા જવા નીકળ્યા હતા અને આ ગોઝારો અકસ્માત નડી ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક કારને અંદાજીત સો મીટર જેટલી ધસડી જતા આટલા અંતરમા લોહી તેમજ માંસના લોચા જોતાં કઠણ કાળજાના માણસો પણ દ્રવી ઊઠ્યા હતા.
ઇનચાર્જ ડીએસપી હેતલ પટેલે જણાવ્યું હતું કે કાર વડોદરા પાસિંગની છે જે કડોદરાનો દલાલ વેચવા લાવ્યો હતો. કડોદરાના દલાલે તે પલસાણાના દલાલને આપી હતી. પલસાણાના દલાલ પ્રમોદ શર્મા પાસેથી કાર ખરીદવાનો સોદો ચાલી રહ્યો હતો. ખરીદતા પહેલા તે કારને ટેસ્ટ કરવા માગતા હતા. એટલે તેમણે પ્રમોદને કહ્યું હતું કે લોંગ ડ્રાઇવ પર જવા માગીએ છીએ. પ્રમોદે તેમને પરવાનગી પણ આપી દીધી હતી. તેઓ ટેસ્ટ કરવા માટે સાપુતારા જતા હતા. પ્રમોદ શર્માની પૂછપરછ ચાલી રહી છે. ડીએસપીએ વધુમાં કહ્યું હતું કે ગાડીમાં કુલ ૧૨ લોકો હતા જેમાંથી ૨ બચી ગયા છે. બચેલા બેમાંથી એક ગાડી ચલાવતો હતો. જોકે, બન્ને ભાનમાં આવ્યા ન હોવાથી તેમની પાસેથી કોઇ જાણકારી મળી શકી નથી.
અકસ્માતમાં દશ યુવાનો પૈકી ૩ યુવાનો કડોદરા નુરી મીડીયાની પાછળ આવેલ સોસાયટીમાં રહેતા હતા. જોકે સોસાયટીમાં ઘણાને અકસ્માતમાં યુવાનોના મોત અંગેની પણ મોડી સાંજે જાણકારી થઇ હોવાનું જાણવા મળેલ છે. જોકે, મોત બાદ ઓળખ થવી મુશ્કેલ બની હતી. જેનું કારણ યુવાનો પરપ્રાંતીય હોવાથી સોસાયટીમાં ભાડે તેમજ અન્ય મિત્રો સાથે રહેતા હોવાથી ઘટનાને કલાકો વીતી જવા છતાં ૨ યુવાનોની ઓળખ રાત્રે પણ થઇ શકી ન હતી.