સાંસદો, ધારાસભ્યો બીજો ધંધો કેવી રીતે કરી શકે ? : સુપ્રીમ કોર્ટ

કરોડપતિ બની ગયેલા નવ સાંસદો, ૯૮ MLAના નામો સીલબંધ કવરમાં રજૂ
નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે કેટલાક સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં રાતોરાત ૫૦૦ ગણો વધારો થવા સામે લાલ આંખ કરી છે. સુપ્રીમે આકરા સૂરમાં કહ્યું છે કે તેમની આવકમાં વધારો બિઝનેસને કારણે થયો છે તો સવાલ એ થાય છે કે સાંસદ અને ધારાસભ્ય બનીને કોઇ બિઝનેસ કેવી રીતે કરી શકે છે? સીબીડીટીએ જેમની આવકમાં તીવ્ર વધારો થયો છે તેવા લોકસભાના સાત સાંસદો અને ૯૮ ધારાસભ્યોના નામો સહિતની વિગતો સીલબંધ કવરમાં સુપ્રીમને આપી હતી. સુપ્રીમે કહ્યું કે ભ્રષ્ટ નેતાઓ સમક્ષ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમની સામે ઝડપથી સુનાવણી કેવી રીતે થાય તે વિચારવાનો સમય આવી ગયો છે. સુપ્રીમે કેન્દ્રને વધુ એક સવાલ કર્યો કે અનેક વર્ષો અગાઉ એનએન વોરાના રિપોર્ટ મામલે કેટલું કામ થયું છે? સમસ્યા આજે પણ એવી ન એવી જ છે. તમે રિપોર્ટ મામલે કંઇ જ કર્યું નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નેતાઓની આવક શું છે તેની જાણ લોકોને હોવી જોઇએ, તેને છુપાવીને રાખવાની કોઇ જરૂર નથી. ઉમેદવાર પોતાની અને પોતાના પરિવારની આવકના સ્ત્રોતોનો ખુલાસો કરે કે નહિ તે અંગે હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમે તે સીલબંધ કવરને પણ ખોલ્યું હતું, જેમાં લોકસભાના સાત અને ૯૮ ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલી માહિતી આવકવેરા રિટર્ન્સમાં અપાયેલી માહિતીથી અલગ છે. સરકાર વતી હાજર રહેલા વકીલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે આ તમામની સામે તપાસ ચાલી રહી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસને અગ્રિમતાના આધારે મોકલવામાં આવે છે. જોકે, સુપ્રીમે કોઇ નામને જાહેર કર્યું નહોતું. પરંતુ કોર્ટના સ્ટાફને તેને ફરીથી સીલબંધ કરી દેવા કહ્યું હતું.