સાંસદની ગ્રાંટમાંથી તેરાના પીર બાવામીંયા દરગાહે રૂા.૪ લાખના ખર્ચે શેડનું થશે નિર્માણ

૧૭ મા ઉર્ષ પ્રસંગે ઉપસ્થિત વિનોદ ચાવડાએ કરી જાહેરાતઃ હાજી અનવરશા બાવાની તકરીર સહિતના કાર્યક્રમો યોજાયા

 

નલીયા : તેરાના પીર બાવામીંયા દરગાહે ૧૭મા ઉર્ષ પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દરગાહના કમ્પાઉન્ડમાં રૂા.૪ લાખની ગ્રાંટ કોમ્યુનીટી શેડ બાંધવા જાહેર કરાઈ હતી.ઉર્ષ પ્રસંગે હાજી અનવરશા બાવાની તકરીર સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
તેરા મધ્ય હિુંદુ-મુસ્લિમ સમાજની કોમી એકતાના પ્રતિક પીર બાવામીંયા દરગાહ ખાતે ૧૭મા ઉર્ષની ઉજવણી કરાઈ હતી.સવારે સૈયદ નિઝામુદ્દીન હાજી અલીઅકબરછા બાવાના હસ્તે દરગાહ શરીફ પર ચાદર ચડાવવામાં આવી હતી.ત્યારબાદ યોજાયેલી તકરીરમાં વિદ્વાન અને અભ્યાસુ વક્તા એવા હાજી અનવરશા બાવાએ ઈન્શાનિયત અને માનવતાનો સંદેશો ફેલાવી અમન અને ભાઈચારાથી રહેવા અપીલ કરી હતી.અલ્લાહની ઈબાદતથી જન્નતનું સુખ નસીબ થાય છે તેવું જણાવી તેમણે નમાજના ફાયદા અને નેક રાહે ચાલવાથી મનુષ્ય જીવન સફળ બને છે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગ્રાંટ ફાળવવા બદલ સાંસદ વિનોદ ચાવડાનું કચ્છી અજરખ દ્વારા વિશેષ સન્માન હાજી અનવરશા બાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે માજી તાલુકા પંચાયત પ્રમુખ મુળરાજભાઈ ગઢવી, પરેશસિંહ બનુના જાડેજા, સૈયદ કાદરશા બાવા, સાલેમામદ મંધરા, જયદિપસિંહ જાડેજા, અરજણભાઈ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આયોજન અને વ્યવસ્થા સૈયદ નિઝામુદ્દીન અને તેરા સર્વે મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવી હતી.બપોરે ન્યાઝનું આયોજન કરાયું હતું.ન્યાતખ્વાં સૈયદ ઈમામશા હાજી આમદશા અને એનાઉન્સર મૌલાના હાજી અબ્દુલ મુતલબછા રહ્યા હતા.