સાંતેજ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારુની ૨૫ પેટી ઝડપી પાડી

(જી.એન.એસ.)સાંતેજ,ગાંધીનગર જિલ્લાના ભોંયણ થી સબાસપુર તરફ જતા રોડ નજીકથી મધરાત્રે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વોડકા દારૂની ૨૫ પેટીઓ માંથી રૂ. ૧.૪૬ લાખની કિંમતની ૪૦૮ નંગ બોટલો તેમજ કાર મળીને કુલ ૨.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાર રેઢિયાળ મૂકીને ચાલક નજીકના ખેતરોમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો.સાતેજ પોલીસ મથકની ટીમ ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન જમાદાર વિશાલસિંહ રણજીતસિંહ ને બાતમી મળી હતી કે, વાસંજડા તરફથી સફેદ કલરની કાર વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થવાની છે.પોલીસ ટીમ હાજીપરા પાસે વોચ રાખીને ગોઠવાઈ ગઈ હતી. ઘણી વાર સુધી કાગડોળે બાતમી વાળી કારના રાહ જોયા પછી વાસંજડા રોડ પરથી પૂરપાટ ઝડપે કાર આવી રહી હોવાની જાણ જમાદાર સંજય કુમારે કરતા પોલીસ ટીમ એલર્ટ થઈ ગઈ હતી. અને પૂરપાટ ઝડપે આવી રહેલી કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્થિતિ પારખી ગયેલો ચાલક કારને પૂર ઝડપે હંકારી ભોંયણ ત્રણ રસ્તા તરફ ભાગ્યો હતો.પોલીસ ટીમે તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે ભોંયણથી સબાસપૂર રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં સબાસપૂર તરફ જતા રોડની સાઈડમાં ચોકડીમાં કાર રેઢિયાળ મૂકીને ચાલક અંધારાનો લાભ લઈ નજીકના ખેતરોમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ કાર નજીક પહોંચતા કાર ચાલુ હાલતમાં જ મળી આવી હતી. જેની આગળની બાજુ નંબર પ્લેટ લગાડેલી ન હતી અને પાછળની સાઈડમાં ય્ત્ન૦૧દ્ભઝ્ર૦૭૦૭ નંબરની પ્લેટ લાગેલી હતી. જેથી પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવતા તેમાંથી વોડકા દારૂની ૨૫ પેટીઓ માંથી ૪૦૮ નંગ બોટલો કી રૂ. ૧.૪૬ લાખની મળી આવી હતી. આ અંગે સાતેજ પોલીસે વોડકા દારૂનો જથ્થો, કાર મળીને કુલ રૂ. ૨.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.