સાંગનારા ગામે વચેટિયાઓને સાથે રાખી પવનચક્કીની કંપનીઓ દ્વારા કરાતી ધાકધમકી

ગૌચર કે સરકારી, પડતર જમીનમાં હરગીઝ પવનચક્કી ખોડવા નહીં દેવાયનો સાંગનારા ગ્રામજનોનો સૂર : પવનચક્કીના માણસો પોલીસ પ્રોટોકોલ લઈને ગ્રામજનોને ડરાવે છે

નખત્રાણા : પશ્ચિમ કચ્છના સીમાડાનો સોથ વાળ્યા બાદ ગોજારી પવનચક્કીઓ હવે નખત્રાણા તાલુકાના સીમાડાની સોથ વાળવા મંડી છે. ત્યારે સાંગનારા ગામે વચેટિયાઓને સાથે રાખી બળજબરી પૂર્વક ધાક ધમકીઓ કરી પોલ ઉભા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.અગાઉ પણ અહીં ર૦૧૬માં પવનચક્કી ખોડવા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને આ સીમાડામાં સારૂં જંગલ હોઈ વન્યજીવો અને પશુઓના ચરિયાણ માટે પણ જોખમ ઉભુ કરશે. જે પવનચક્કી નહીં નાખવા માટે દિલ્હી એનજીટીમાં ગ્રામ પંચાયત દ્વારા કેસ પણ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ પવનચક્કી કંપનીઓ વચેટિયાઓને સાથે રાખી આ વિસ્તારના સીમાડામાં બળજબરી પૂર્વક પોલ ઉભા કરવામાં આવતાં ગ્રામજનો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. સાંગનારા ગામના લખમણભાઈ રબારી, નારણ આશા જેપાર, ઉપસરપંચ ઉમરા પાલા જેપાર, શંકર ગોપાલ લીંબાણી, વાલજી માવજી લીંબાણી, જેન્તીલાલ પરબત પોકાર સહિતના ગ્રામજનો એકઠા થયા હતા અને પવનચક્કી નાખવા બાબતે વિરોધ કર્યો હતો. અહીંના સીમાડામાં સારી વન્ય સંપદા છે, જેનો સર્વે કરવા અગાઉ ગાંધીનગરથી પણ ટીમ આવી ગયેલ છે. માટે અમો અમારા સીમાડાનો સોથ વાળવા નહીં દઈએ. આ વિસ્તાર ચરિયાણ માટેનો એક માત્ર સીમડાનો ગૌચર, સરકારી જમીન છે. જો પવનચક્કીઓ આવશે તો કાંઈજ નહીં બચે અને પશુધનનો સીમાડો ખલાસ થઈ જશે. પવનચક્કી વાળાના ભાડુત વચેટિયાઓ દ્વારા ધાક ધમકી કરાતી હોવાના આક્ષેપ લખમણભાઈ રબારીએ કર્યા હતા. આ વિવાદમાં અ ઘટીત બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.