સહયોગીઓને સાચવવાનું ભાજપને શિરદર્દ : બિહાર માટે શું કરશે શાહ-નીતિશ?

જેડીયુ-ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને જામી છે ખેંચતાણ : ર૦૧૪માં માત્ર ૨ બેઠકો પર લડેલ જેડીયુને જોઈએ છે સરખેસરખી બેઠકો

 

નવી દિલ્હી : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને હજી સારો એવો સમય બાકી છે. પરંતુ દેશભરના રાજકીય વર્તુળોમાં ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો એકબીજાને મ્હાત આપવા માટે અલગ-અલગ રણનીતિ હેઠળ કામગીરી કરી રહ્યા છે. એક તરફ એનડીએના વિરોધમાં વિપક્ષી દળ મહાગઠબંધનની કવાયતમાં લાગેલા છે. તો એનડીએ પણ પોતાના ગઠબંધનના ઘટકદળોને મજબૂત કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બિહારના મુખ્યપ્રધાન તથા જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર વચ્ચે પટના ખાતે મુલાકાત યોજાઈ રહી છે.
જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નીતિશ કુમારે પોતાની પાર્ટીની અવગણના કરનાર રાજનીતિમાં હાંસિયામાં ધકેલાઈ જવાની વાત કહીને બેઠક વહેંચણી માટે આકરા વલણના સંકેત આપ્યા હતા. જેડીયુ અને ભાજપ માટે બિહારમાં ૧૭-૧૭ બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ચર્ચામાં છે. ૨૦૧૪માં બિહારની ૪૦ લોકસભા બેઠકોમાંથી એનડીએ પાસે ૩૧ બેઠકો હતી.
જેમાં ભાજપને ૨૨, એલજેપીને છ અને આરએલએસપીને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જેડીયુ ૨૦૧૪માં એનડીએ સાથે ન હતી. તેને ૪૦માંથી બે જ બેઠકો પર જીત મળી હતી. જો કે જેડીયુના નેતાઓનું કહેવું છે કે અલગ ચૂંટણી લડયા બાદ પણ તેમની પાર્ટીને ૧૭ ટકા મત પ્રાપ્ત થયા હતા અને તેથી ૨૦૧૯માં તેમને બિહારમાં વધુ બેઠકો મળવી જોઈએ.