સસ્પેન્ડ પોલીસકર્મીના ઘરમાંથી રિવોલ્વર અને ચાંદીના સિક્કા સહિત રુપિયાની ચોરી

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં પોલીસના બંધ મકાનમાં ફરી તસ્કરો ટાર્ગેટ કરી રહ્યા છે. અગાઉ શહેરના એસીબીના ઘરે ચોરી થઈ હતી ત્યારે હવે સસ્પેન્ડ પોલીસ કર્મીના ઘરમાંથી ૧ લાખ રૂપિયાની ૩૨ બોરની રિવોલ્વર અને ચાંદીના સિક્કા તેમજ રૂપિયાના બંડલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે હાલ કૃષ્ણ નગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રઘુવીર મોકમસિંહ ચાવડા નરોડા વ્યાસવાડી પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહે છે. ૨૪ વર્ષ પોલીસમાં કામ કરનાર રઘુવીર ચાવડા હાલ સસ્પેન્ડ છે અને કે કંપનીમાં ફરજ બજાવે છે. રઘુવીર ચાવડાએ ક્રિષ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, તેમનો દીકરો હર્ષ વેરાવળ ખાતે આદિત્ય બિરલા ગ્રુપમાં એપરેનટીસ તરીકે કામ હીવથી તેઓ ત્યાં ગયા હતા અને ત્યાં જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેમના પડોશીનો ફોન તેમના પર આવ્યો અને કહ્યું કે, તમારા ઘરના દરવાજાનું તાળું તૂટેલું લાગે છે.રઘુવીર ચાવડાએ તેમને જણાવ્યું કે, તમે જઈને જોવો જેથી પડોશીએ ઘરનો દરવાજો ખોલતા જાણવા મળ્યું કે, તેમના ઘરમાં બધું વેર વિખેર પડ્યું હતું. એટલે રઘુવીર ચાવડાએ તેમના સ્વજનને ઘરે જવા કીધું હતું. જેમણે ઘરે જઈને જોયું તો ઘરમાં રિવોલ્વરનું ખાલી ખોખું હતું જેમાં રિવોલ્વર ન હતી. જેથી આ અંગે તેમને પોલીસમાં જાણ કરવા જણાવ્યું હતું. આ ચોરીમાં રઘુવીર ચવાડાના ઘરમાંથી રિવોલ્વર અને અન્ય વસ્તુઓ એમજ નોટના બંડલ ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસે નોંધી છે. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.