સલારી ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

ગઈકાલે બપોરના પાણી ભરવા જતા પગ લપસી જતા સર્જાઈ
દુર્ઘટના : પોલીસે શરૂ કરી છાનબીન : પરિવારજનોમાં અરેરાટી

 

રાપર : તાલુકાના સલારી ગામે નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલ પરિણીતાનું ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સલારી ગામે રહેતી સોનીબેન અમરશી પરમાર (ઉ.વ.૩૦) પોતાના ઘરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરના બે વાગ્યે પાણી ભરવા ગઈ હતી અને અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી ગઈ હતી. શોધખોળના અંતે આજે સવારે હતભાગીનો મૃતદેહ કેનાલમાંથી આવતા તેના પતિ અમરશી પરમાર લાશને રાપર સરકારી દવાખાને લાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. રાપર પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી.
આ બાબતે તપાસનીશ હેડ કોન્સ્ટેબલ સરતાનભાઈ પટેલનો સંપર્ક સાધતા હતભાગી કેનાલમાં પાણી ભરવા ગયેલ હતી કે કેમ? તે હજુ સ્પષ્ટ થયો નથી. મૃતકના માવતર પક્ષ તથા સાસરી પક્ષના માણસોના નિવેદનો નોંધાયા બાદ બનાવ આકસ્મિક છે કે આપઘાત તે સપાટી ઉપર આવી શકે તેમ છે. હતભાગીના મોતથી પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ જવા પામેલ છે.