સલારીમાં યુવાન પર જાનલેવા હુમલો

પૈસા ના આપતા પેટના ભાગે છરી મારી હત્યાના પ્રયાસની કરી કોશિશ : અગાઉ આજ શખ્સે રાપરના તત્કાલીન પીએસઆઈ ઓ. એમ. રાવલ પર ભાલાથી કર્યો હુમલો

 

રાપર : તાલુકાના સલારી ગામે યુવાન પર છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા માથાભારે શખ્સ સામે ખુનની કોશિષનો ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કાસમ હુસેન શેખની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, મુળ ઉમૈયા હાલે નિલપર રહેતા રામજી ભીખા કોલીએ તેઓ પાસે રૂપિયાની માંગણી કરતા તેઓએ ના પાડેલ જેથી આરોપી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેઓના પેટમાં છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. લોહીથી લથબથ તેઓને ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર રાપર આપી વધુ સારવાર માટે ભુજ જી.કે.માં ખસેડાયો હતો. રાપર પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાપર પોલીસ મથકે જે તે વખતે ફરજ બજાવતા પીએસઆઈ ઓ. એમ. રાવલ દારૂની રેઈડ કરવા ગયેલ ત્યારે આ શખ્સે તેમના પર ભાલો મારીને ખુન કરવાનો પ્રયાસ કર્યો હતો.