સરહદી મુદ્દાને વધુ ન ચગાવોઃ ચીન

બીજિંગઃ ભારત-ચીન સરહદના મુદ્દાને વધુ ન ચગાવો અને સરહદી વિસ્તારમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે બંને દેશ કરારને વળગી રહે, એમ ચીનના વિદેશ ખાતાએ ભારપૂર્વક કહ્યું હતું. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એવા અરુણાચલ પ્રદેશના અસાફિલા વિસ્તારમાં ભારત દ્વારા કરવામાં આવેલી કથિત ઘૂસણખોરીને મુદ્દે ચીને સખત વિરોધ નોંધાવ્યો હોવાના અંગે સીધી પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ ખાતાએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ અહેવાલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર્‌નનો ઉત્તર આપતા ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ગૅન્ગ શૂઆન્ગે રમાધ્યમને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભારત-ચીનની સરહદની હાલની પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતીથી હું જાણ છું. સમસ્યાના ઉકેલ માટે એ મુદ્દાને ચગાવવાને બદલે બંને દેશ કરારને વળગી રહેશે એવી અમને આશા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું રે સરહદી વિસ્તારમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે.