સરહદી ક્રીક વિસ્તારોમાં મોટા પાયે ચેરિયાનું વાવેતર માત્ર ચોપડા પર

લખપતના લક્કીનાળા, નારાયણસરોવર સહિતના દરિયાઈ વિસ્તારોમાં જંગલ ખાતા દ્વારા ચેરિયાઓનું વાવેતર કરવાના બદલે ચોપડા પર આંકડા દર્શાવી સરકારી ગ્રાન્ટ કરાય છે ઉચાપત

દયાપર : કચ્છની ચારે બાજુ દરિયા કિનારો તેમજ સરહદી વિસ્તારો આવેલા છે. દરિયાકાંઠે મોટે ભાગે ખારાશ જોવા મળતી હોય છે. ત્યારે દરિયાની ખારાશ આગળ વધતી અટકે તેમજ વાવાઝોડા કે અન્ય કોઈ કુદરતી આપદા સમયે દરિયાનું પાણી બહાર ન આવી જાય તે માટે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ચેરિયાનું વાવેતર કરવામાં આવતું હોય છે. આ ચેરિયા વાવવાથી દરિયાની ખારાશ આગળ વધતી અટકે છે તેમજ કુદરતી આપદાઓ સમયે આંશિક રાહત મળતી હોય છે. પરંતુ કચ્છમાં દરિયાઈ વિસ્તારોમાં ચેરિયા વાવેતરની કામગીરી અગાઉથી શંકાના દાયરામાં રહી છે. આ વર્ષે પણ એ જ સ્થિતિ છે. ચોપડા પર વાવેતર બતાવી સરકારને ઉંધા ચશ્મા પહેરાવાયા છે.આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છમાં લખપતના લક્કીનાળા, નારાયણસરોવર, રામેન્દ્રા સહિતના વિસ્તારોનું વાવેતર થતું હોય છે. તો મુંદરા અને માંડવીના દરિયાકાંઠે પણ વાવેતર કરવામાં આવે છે. આ તરફ પૂર્વ કચ્છમાં મોટાભાગે ભચાઉના વોંધ, જંગી, સામખિયાળી સહિતના પટ્ટામાં ચેરિયાનું વાવેતર કરવામાં આવે છે. આમ તો દરિયાની ખારાશ અટકાવવા તેનો ઉપયોગ થતો હોય છે, પરંતુ રણના વાહન એવા ઊંટ માટે ચેરિયા ચરિયાણનું એક માત્ર માધ્યમ હોવાથી તેઓ માટે પણ ચેરિયા જરૂરી છે. દરિયા કિનારે ચેરિયાના જંગલોના કારણે વાવાઝોડુ કે સૂનામી આવે તો તેનાથી બચી શકાય છે, પરંતુ હવે વાવેતર થતું નથી. જેના કારણે જંંગલની જગ્યાએ અફાટ રણ થઈ જતાં એકાએક વાવાઝોડુ આવે તો લોકોને જીવ બચાવવા ભાગવું પડ છે. અગાઉ જે ચેરિયાના વાવેતર થયું છે, તે વાવેતરને આજે પણ ચોપડા પર બતાવાય છે.વાવેતર અગાઉના વર્ષોનું હોય પરંતુ તેના ફોટા પાડી આ વર્ષે વાવેતર કર્યું છે, તેવું બતાવી બિલો પાસ કરી લેવાય છે. આ મિલિભગતમાં સ્થાનિકે ફરજ બજાવતા ફોરેસ્ટરથી માંડી ઉપર સુધી વહિવટ હોવાથી કોઈ અવાજ ઉપાડતું નથી. વળી પશ્ચિમ કચ્છમાં તો બોર્ડર એરિયા હોવાથી સામાન્ય વ્યક્તિ જઈ શકતો નથી. જેથી તંત્રની મિલિભગત પણ લોકો જોઈ શકતા નથી. પરંતુ ઉપરથી જ વડી કચેરીના ચાર હાથ હોય તો શરમ શેની ? તેમ ચેરિયાઓનું વાવેતર ચોપડે બતાવી સુરક્ષા એજન્સીઓના વિસ્તારમાં રીતસર ઉંધા ચશ્મા પહેરાવાઈ રહ્યા છે.