સરકાર સંસ્થા અને સમાજના સંયુક્ત સહયોગથી કોરોના સામે જીત – રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર

રૂ. ૭૫ લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે :

રૂ.૩૦ લાખના ૪૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને કોવીડ કીટ પૂર્વકચ્છને અર્પણ કરતી એક્શનએઇડ સંસ્થા

આજે અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા રૂ. ૩૦ લાખના ૪૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને   કોવીડ કીટ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે,’ સરકાર, સંસ્થા અને સમાજના સંયુક્ત સહયોગથી કોરોના સામે જીત મેળવવાની છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોવીડ-૧૯ની  ત્રીજી લહેરને પહોંચવાની  પૂર્ણ તૈયારી કરી લીધી છે તેમજ  આરોગ્ય વિભાગ અને કચ્છના કર્મયોગીઓ જેમાં સફાઈકર્મીથી લઈને કલેકટર સુધી તમામ કોરોનાને હરાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. તે સૌ અભિનંદનને પાત્ર છે.  આરોગ્ય ક્ષેત્રે પ્રજાને ઉત્તમ સેવા મળે તે માટે સરકાર સક્રિય છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે,’ તેમની આરોગ્ય માટે આપેલી ધારાસભ્યની રૂ. દોઢ કરોડની ગ્રાન્ટનું  કલેકટરશ્રી દ્વારા આયોજન પણ થઇ ચૂક્યું છે. સામાજિક સંસ્થાઓ સાથે કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે પ્રજા સુખાકારી માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સીએસઆર(કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી)  નો કાયદો મહત્વપૂર્ણ રહ્યો છે. જેના પગલે આજે કોરોનાને હરાવવામાં સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે .ટૂંક સમયમાં જ આરોગ્યક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી પણ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે એમ પણ તેમણે  આ તકે જણાવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ,’અંજાર ખાતે રૂ.  ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. વૈશ્વિક  મહામારી કોરોનાનો સામનો કરી રહેલા લોકો માટે એક્શનએઈડ સંસ્થા દ્વારા અપાયેલા ઓક્સિજન કન્સનટ્રેટર અને કોવીડ કીટના સાધનો બહુ ઉપયોગી થશે . આ માટે રાજ્ય સરકાર વતી હું સંસ્થાનો આભાર માનું છું અને તેમના આ પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પણ આપું છું . આ તકે મંત્રીશ્રીએ સંસ્થાની  કામગીરીને પણ બિરદાવી હતી.           

તાલુકા અગ્રણી ડેની શાહે આ તકે અંજાર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલા આરોગ્યના વિવિધ વિકાસ કામો અંગે સૌને માહિતગાર કર્યા હતા. એક્શનએઈડ સંસ્થાના હંસાબેન રાઠોડે આ તકે એક્શન સંસ્થા વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે ,’એક્શનએઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે. એક્શનએઈડ અને ગીવ ઇન્ડીયાના સહયોગ થી ૪૦ ઓક્સીજન કન્સનટ્રેટર જેમાં પાંચ લીટરના ૨૦ અને દસ લીટરના ૨૦ છે.જે અંજાર, ભચાઉ, આદિપુર અને રાપર તાલુકાની સરકારી હોસ્પીટલમાં આપવામાં આવશે. ઉપરાંત ૩૫ થર્મલ સ્કેનર ,૩૫ ઓક્સીમીટર ,૨૦ થર્મોમીટર ,૫૦ એન ૯૫ માસ્ક,૫૦૦ -ડિસ્પોઝેબલ માસ્ક ,૨૫ પીપીઈ કીટ્સ, ૫૦ ફેસ શીલ્ડ ,૩૦ આશાવર્કર  બહેનોને આપવામાં આવ્યા છે . ૨૦ વર્ષથી વિવિધ ઇમર્જન્સી અને કોવીડ-૧૯ માટે કામ કરતી આ સંસ્થા પૂર્વ કચ્છના ૨૩ ગામોમાં જનજાગૃતિનું અને રસીકરણની કામગીરી કરી રહી છે. ગુજરાતના છ જિલ્લામાં એક્શનએઈડે ઓક્સિજન કન્સનટ્રેટર આપ્યા છે .

ઉલ્લેખનીય છે કે રૂ. ૭૫ લાખના ખર્ચે અહિ  કાર્યરત થનાર ઓક્સિજન પ્લાન્ટની સ્થળ મુલાકાત રાજ્યમંત્રીશ્રી એ લીધી હતી. તેમણે થઈ રહેલી કામગીરી ને જાણી હતી .ઉલ્લેખનીય છે કે અંજાર ખાતે કાર્યરત થનાર આ પ્લાન્ટમાં રૂ. ૩૫ લાખની ધારાસભ્ય અંજારની ગ્રાન્ટ, રૂ.૨૦ લાખ ટોરેન્ટ કંપની અને રૂ.૨૦ લાખ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા અપાયા છે. આમ કુલ રૂ.૭૫ લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે જેનાથી ઓક્સિજન માટે અંજાર આત્મનિર્ભર બનશે એમ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યમંત્રીશ્રી એ અંજારની કે. કે. એમ. એસ .ગર્લ્સ હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ અંજારના વેપારીઓ પરિવાર સાથે વેક્સિનેશન કરાવી રહ્યા હતા. રાજ્યમંત્રીશ્રી એ ૧૮ થી વધુ માટેના બે અને  ૪૫થી વધુ વય માટેનું એક અને બીજી રસીનો ડોઝ નું એક એમ ચાર કાઉન્ટરની જાત મુલાકાત લીધી હતી.  તેમજ રાજ્યમંત્રીશ્રી એ ઉપસ્થિતો સાથે આરોગ્ય  સંદર્ભે ચર્ચા કરી હતી . ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ અગ્રણી સર્વશ્રી ભરત શાહ ,ડેનિ શાહ ,વસંત કોડરાણી. મ્યાજરભાઈ છાંગા, દિનેશભાઈ ઠક્કર, રશ્મિભાઈ પંડયા ,શંભુભાઈ , એક્શન સંસ્થાના  ગોમતીબેન ચાવડા અને નરેશભાઇ સોલંકી ,તાલુકાની આશાવર્કર બહેનો, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે. એ. બારોટ ,તાલુકા વિકાસ અધિકારીશ્રી રમેશભાઈ વ્યાસ ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજીવ અંજારિયા ,મામલતદારશ્રી અફઝલ મંડોરી, ડો. હાર્દિકભટ્ટ , ડો. સુતરીયા તેમજ અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ અને વેપારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતાં.