સરકાર-ન્યાયતંત્રમાં ખેંચતાણઃ જજની પડી શકે છે અછત

નવી દિલ્હીઃ જજની ખાલી પદની ભરતી મામલે સરકાર અને ન્યાયતંત્ર આમને સામને આવ્યું છે. જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમ મોકલવાનું સૂચન પણ સરકારે પરત કર્યું છે. શુક્રવારે સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ખેંચતાણ વધતી જોઈને જ્યારે કેન્દ્રએ કોલેજિયમ પર જજોના ઓછા નામની ભલામણ કરવાનો આરોપ લગાવ્યો તો સુપ્રીમ કોર્ટે કોલેજિયમની ભલામણ પેન્ડિંગ રાખવા માટે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.
કાયદાકીય બાબતોના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ ખેંચતાણની સીધી અસર પડતર રહેલા કેસ પર પડી શકે છે. દેશભરમાં નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આશરે ૩ કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે. દેશભરમાં હાઈકોર્ટના કુલ પદોમાંથી ૩૮ ટકા જેટલા ખાલી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં પણ સાત પદ ખાલી છે.
જ્યાં સુધી જજની નિયુક્તિ પ્રક્રિયાનો સવાલ છે તો સુપ્રીમ કોર્ટના એડ્‌વોકેટ એમએલ લાહૌટીના જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અથવા વકીલના નામ પર વિચારી શકે છે. જ્યારે નામ ફાઈનલ થઈ જાય તે સરકારને મોકલે છે.
લો એન્ડ જસ્ટિસ વિભાગની વેબસાઈટના જણાવ્યાનુસાર ૧ મે ૨૦૧૮ સુધીના ઉપલબ્ધ આંકડા અનુસાર સુપ્રીમ કોર્ટમાં કુલ ૩૧ જજના સ્વીકૃત જગ્યા છે. જેમાંથી ૨૪ જગ્યા ભરેલી છે. જ્યારે ૭ ખાલી છે. તો આ જ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટિસ ચેલમેશ્વર સહિત અનેક જજ રિટાયર થવાનાં છે.
દિલ્હી હાઈકોર્ટના રિટાયર જસ્ટિસ આરએસ સોઢીના જણાવ્યાનુસાર વહેલી તકે જો વેકેન્સી ભરવામાં ન આવી તો પેન્ડિંગ કેસ વધી શકે છે. વેકેન્સી ભરવાની પ્રક્રિયા અન્ય જજના રિટાયર્મેન્ટના ચાર મહિના પહેલા શરૂ થવી જોઈએ. જો કોલેજિયમ નામ મોકલે અને સરકાર તેને ક્લિયર કરવામાં એક નિશ્ચિત સમયમર્યાદા કરતાં વાર લગાવે તો સરકાર સામે સવાલ થઈ શકે છે.સુપ્રીમ કોર્ટની વેબસાઈટના જણાવ્યાનુસાર ૪મે ૨૦૧૮ સુધી આંકડા અનુસાર ૫૪,૦૧૩ કેસ પેન્ડિંગ છે. ૧ મે ૨૦૧૭ના પેન્ડિંગ કેસોના આંકડા જોવામાં આવે તો તે સમયે ૬૦ હજાર ૭૫૧ કેસ પેન્ડિંગ હતાં. જો દેશભરના હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસની વાત કરવામાં આવે તો આ સંખ્યા ૪૧.૫૩ લાખ છે. નીચલી અદાલતમાં આશરે પોણા ત્રણ કરોડ કેસ પેન્ડિંગ છે. આ રીતે જોવા જઈએ તો કુલ ત્રણ કરોડ કેસ નીચલી અદાલતથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી પેન્ડિંગ છે.