સરકાર નાગરિક પાસે ઓળખનો પુરાવો માગી શકે કે નહીં?ઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ નાગરિકોને મળનારી કેટલીક સવલતો તેમની ઓળખને આધારે હોય તો સરકાર તેમની ઓળખનો પુરાવો માગી શકે કે નહીં એવો પ્રશ્ર્‌ન સર્વોચ્ચ અદાલતે મંગળવારે ઉઠાવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની
પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી બંધારણીય બૅન્ચે એમ જણાવ્યું હતું કે, ‘આધાર યોજનાની પાછળનો વિચાર અને કારણ કદાચ એ જ હોઇ શકે કે લોકો પાસે એક આઇડી કાર્ડ હોય.’ તમે કોણ છો એ આધારે જો તમને સવલત મળવાની હોય તો સરકાર એ અંગેની સાબિતી માગી ન શકે? આ શું યોગ્ય શરત નથી’ એમ ન્યાયમૂર્તિ એ. એમ. સિક્રી, એ. એમ. ખાનવિલકર, ડી. વાય. ચંદ્રચુડ અને અશોક ભૂષણના સમાવેશ સાથેની ખંડપીઠે આવો સવાલ ઉઠાવ્યો હતો. આધાર યોજના અંગેની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ખંડપીઠે એમ પણ જણાવ્યું હતું કે, ‘જો મળનારી સવલતો વિવાદથી દૂર હોય તો પણ તમે કોણ છો એ સાબિત કરવા માટેના ઓછામાં ઓછા રસ્તા હોવા જોઈએ.’ ‘આ માટે તમારા બંધારણીય અધિકારને છોડવા પડે એમ હોય તો આ શરતને ગેરબંધારણીય ગણી શકાય’ એમ આ ખંડપીઠે જણાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિનું પ્રાથમિક પ્રમાણ એનું નાગરિક હોવાનું છે, આધાર કાર્ડ ધરાવનાર એ એની ઓળખ નથી એવી દલીલ કરવામાં આવતા આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા સિનિયર વકીલ કપિલ સિબલે એમ જણાવ્યું હતું કે ઓળખની સાબિતી લાભ મેળવનારી વ્યક્તિ સાથે જોડવી જોઈએ, એટલું જ નહીં એ વ્યક્તિને પોતાની ઓળખ સાબિત કરવા પસંદગી પણ રહેવી જોઈએ.