સરકાર ધાર્મિક પ્રતીકવાળા સિકકા બહાર પાડી શકે છે

આવો ચૂકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું કે એનાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર નથી પડતી

 

નવી દિલ્હીઃ ધાર્મિક ચિહનની છાપ ધરાવતા સિકકાઓ ચલણમાંથી પાછા ખેંચવાની અરજીને ડિસમીસ કરતાં દિલ્હી હાઈકોર્ટે ગઈકાલેકહ્યું હતું કે આવા સિકકાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર નથી પડતી. દિલ્હીના બે રહેવાસી નફીસ કાઝી અને અબુ સઈદ જનહિતની અરજી કરીને રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયને ૨૦૧૦ અને ૨૦૧૩માં બહાર પાડવામાં આવેલા અનુક્રમે બૃહદિશ્વર મંદિર અને માતા વૈષ્ણોદેવીની છાપ ધરાવતા સિકકાઓ પાછા ખેંચી લેવાનો આદેશ આપવાની કોર્ટને વિનંતી કરી હતી.
આ અરજીને ડિસમીસ કરતાં હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે આવા સિકકા બહાર પાડવાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર પડતી નથીતેમ જ કોઈ એક પ્રસંગને યાદગાર બનાવવા આવા સિકકાઓ બહાર પાડવા પર સેકયુલરીઝમમાં કોઈ પ્રતિબંધ નથી. આ પ્રકારના કોઈન્સ બહાર પાડવાથી ધાર્મિક પ્રથાઓ પર વિપરીત અસર પડે છે એવી દલીલને સાચી ઠરાવવા પુરતા પુરાવાઓ રજુ કરવામાં અરજદારો નિષ્ફળ રહ્યા છે. કોઈનેજ એકટ, ૨૦૧૧ હેઠળ કોઈ પ્રસંગને યાદગાર બનાવવા કોઈન્સ બહાર પાડવાનો નિર્ણય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આમાં સરકાર કોઈ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નથી કરી રહી. કાલે કદાચ કોઈ બીજા ધર્મના લોકો તેમના પ્રસંગને યાદગાર બનાવવા કોઈન બહાર પાડી શકે છે કે નોટ છપાવી શકે છે. સેકયુલરિઝમનો અર્થ છે તમામ ધર્મને સમાન આદર આપવો અને કોઈપણ એક ધર્મ માટે પક્ષપાત ન રાખવો.’