સરકારે ધો.૧રની પરીક્ષાની તારીખ ડિકલેર કરતાં વિદ્યાર્થીઓ ફરી વાંચનમાં પરોવાયા

પરીક્ષાની અસમંજસ્તાના કારણે ઘણા વિદ્યાર્થીઓએ ચોપડા મુકયા હતા અભેરાઈએ, જાે કે હવે પરીક્ષાને માંડ મહિનો બાકી રહેતા ભણવાનું આવ્યું પ્રેસર : જિલ્લામાં ૧લી જુલાઈથી આર્ટસ, કોમર્સ અને સાયન્સના ર૦ હજાર છાત્રો આપશે પરીક્ષા

ભુજ : રાજ્યમાં કોરોના મહામારીને કારણે ધો.૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન અપાયું ત્યારથી ધોરણ-૧રના વિદ્યાર્થીઓ અમને પ્રમોસન આપો તેવી માંગણી કરતા હતા. જાે કે સરકારે ગમે તે ભોગે ધોરણ-૧રની પરીક્ષા લેવાશે જ તેવો એકરાર કર્યો હતો. જેના પર હવે મંજુરી મહોર વાગી છે. રાજ્યના શિક્ષણ વિભાગે પહેલી જુલાઈથી બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. ત્યારે કચ્છમાંથી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહન ર૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.  આ અંગેની વિગતો મુજબ વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજાેગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજાશે. ધોરણ-૧૦મા માસ પ્રમોસન આપ્યા બાદ સરકારે કહ્યું હતું કે, ધોરણ-૧રની પરીક્ષાની પદ્ધતિ સરળ બનાવાશે પણ કોઈ ફેરફાર કરાયો નથી. ધોરણ-૧૦માં માસ પ્રમોસન થતા ઘણા વિદ્યાર્થીઓ અમને પણ માસ પ્રમોસન અથવા સાવ ઈઝી ઓએમઆર સીટ કે એક કલાકનું પેપર આવશે તેવી અપેક્ષાઓ સેવી બેઠા હતા. જેના કારણે અમુક વિદ્યાર્થીઓ તો વાંચન છોડી પુસ્તકો અભેરાઈએ ચડાવી દીધા હતા. જાે કે હવે પરીક્ષાની તારીખ નક્કી થઈ જતાં માંડ મહિનાનો સમય બચતા વિદ્યાર્થીઓ માથે પરીક્ષાનું ટેન્સન આવ્યું છે, જેથી આજથી જ પુસ્તકોના પાના ઉથલાવવાનું શરૂ કરી દેવાયું છે. આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (એમસીક્યુ)ઓએમઆર પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે. વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે માટે વ્યવસ્થા કરાશે. પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિએ કહ્યું કે, કચ્છમાં સામાન્ય પ્રવાહમાં ૧૮પ૦૦ અને વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે ૧૭૮૬ વિદ્યાર્થીઓ હાલના ડેટા પ્રમાણે પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા બે ઝોનમાં લેવાશે. સામાન્ય પ્રવાહના આર્ટસ અને કોમર્સની પરીક્ષા ૧૩ કેન્દ્રોના પ૦ બિલ્ડિંગમાં અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૪ કેન્દ્રોની ૯ બિલ્ડિંગ પર રાખવામાં આવશે. પરીક્ષા સુચારૂ ઢબે યોજાય એ માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવાઈ છે.