સરકારી નોકરીઓમાં એસસી-એસટી ક્વૉટાઃ બંધારણીય બૅન્ચ સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં બઢતી આપવા એસસી/ એસટી કૅટેગરીમાં આરક્ષણ માટે ‘સવર્ણો’ની અરજી પર ૨૦૦૬ના ચુકાદાની વિરુદ્ધ વચગાળાનો આદેશ આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશ એ એમ ખાનવિલકર અને ડી વાય ચંદ્રચૂડની ખંડપીઠે જણાવ્યું હતું કે એમ. નાગરાજે ૨૦૦૬માં આપેલા ચુકાદાની વિચારણા સાત ન્યાયાધીશની બંધારણીય ખંડપીઠ સમક્ષ કરવાનું જરૂરી છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા ઍટોર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે આ મામલે સાત ન્યાયાધીશની બનેલી બંધારણીય ખંડપીઠ સમક્ષ તાકીદે સુનાવણી કરવાની જરૂર છે કારણ કે, જુદી જુદી અદાલતી ચુકાદાઓને લીધે રેલવે અને સરકારી વિભાગોમાં લાખ્ખો નોકરીઓ અટવાઈ ગઈ છે. ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણીય ખંડપીઠ સમક્ષ જુદા જુદા મુદ્દા છે. આ મુદ્દે ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરી શકાય. ગયા વર્ષે ૧૫ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પાંચ ન્યાયાધીશની બનેલી બંધારણીય ખંડપીઠ દ્વારા ૨૦૦૬માં એમ નાગરાજે આપેલા ચુકાદા પર ફેરવિચારણા કરવી કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.