સ્થાનિક ઉત્પાદન થઈ રહ્યું હોવા છતાં ઈમ્પોર્ટ ડયુટીનું બહાનું આગળ ધરી તેલ કંપનીના માલિકો ચલાવી રહ્યા છે મનમાની

સીંગતેલ, કપાસિયા, પામતેલ સહિત ખાદ્યતેલોની કિંમતમાં કુદકે – ભૂસકે વધારો : વિદેશોમાં તેલની ઉંચી કિંમત મળી રહી હોઈ મોટા પાયે નિકાસથી સ્થાનિકે થતું વેંચાણ શુદ્ધ કે કેમ? તેની પણ સરકાર કરાવે તપાસ

(બ્યુરો દ્વારા)ભુજ : ભારત દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવાની થઈ રહેલી વાતો વચ્ચે સરકાર અર્થતંત્રની ગાડીને પાટે રાખવામાં સતત નિષ્ફળ નિવડી રહી હોઈ દરેક ક્ષેત્રોમાં અવળી અસરો જોવા મળી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવો બેકાબુ બન્યા બાદ ગેસ, કઠોળના ભાવ વધારા વચ્ચે સીંગતેલ, કપાસીયા તેલ સહિત અન્ય ખાદ્યતેલોની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારની નિષ્ફળતાને લીધે તેલીયા રાજાઓ બેફામ બનતા આમપ્રજાને પીસાવાનો વારો આવી રહ્યો છે.આ અંગે વિગતે વાત કરીએ તો વેપારીઓ, સટ્ટોડિયાઓ અને મીલ માલિકોની સિન્ડીકેટ થકી પાછલા લાંબા સમયથી કોમોડિટી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમતમાં સતત બેફામ વધારો જોવા મળી રહ્યો છે. એક પછી એક ખાદ્ય પદાર્થને ટાર્ગેટ બનાવી તેની કિંમતોને ઉંચી સપાટીએ પહોંચાડી વચેટીયાઓ મલાઈ તારવી રહ્યા છે. હાલે આવી જ સ્થિતિ ખાદ્યતેલોમાં પણ જોવા મળી રહી છે. ન માત્ર કપાસીયા કે સીંગતેલ પરંતુ તમામ ખાદ્યતેલોની કિંમત દિન પ્રતિદિન વધતી જ જઈ રહી છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે ખાદ્યતેલ ખરીદવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શાકભાજી, કઠોળ, મરી -મસાલા બાદ તેલની કિંમતોમાં પણ ભડકો થયો હોઈ ઘરના બે છેડા ભેગા કરવા પણ કઠીન બન્યા છે. સીંગતેલ, કપાસીયા તેલ સહિતના તેલોનું સ્થાનીકે જ ઉત્પાદન થાય છે. પરંતુ આ તેલની કિંમત વિદેશોમાં ખુબ જ ઉંચી મળતી હોઈ મીલ માલિકો મોટા પ્રમાણમાં તેલની નિકાસ કરી રહ્યા છે. ભારત દેશમાં પણ ખાદ્યતેલની માંગ ખુબ જ ઉંચી છે ત્યારે તેલની નિકાસ કરાયા બાદ પણ સ્થાનીક માર્કેટમાં પુરતા પ્રમાણમાં જથ્થો મળી રહેતો હોઈ તે પણ શંકા પ્રેરી રહ્યો છે. સુત્રોનું માનીએ તો સ્થાનિકે વેચાતા ખાદ્યતેલોમાં ખુબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. જો કે, મીલ માલિકોની સરકારમાં ઉપર સુધી સાંઠગાંઠ રહેતી હોઈ આ તેલના નમુનાઓમાં કયારે પણ સરકારી લેબોમાં ભેળસેળ જણાતી નથી. હરહંમેશ આ નમુનાઓ તપાસણીમાં ખરા ઉતરે છે. જો કે, આ તેલોમાં બનતો ખોરાક આરોગી લોકોના આરોગ્ય કથળી રહ્યા છે. સ્થાનિક ઉત્પાદન થઈ રહ્યું હોવા છતાં ઈમ્પોર્ટ ડયુટીનું બહાનું આગળ ધરી તેલ કંપનીના માલિકો મનમાની ચલાવી રહ્યા છે. તેના પર પણ અંકુશ મુકાય તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છીજનોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાના કિસ્સાઓ અગાઉ અનેકવખત ઉજાગર થઈ ચુકયા છે. બનાવટી ઘી બનાવવાની ફેકટરીઓ હોય કે અખાદ્ય ગોળ કે પછી નકલી પનીર, ભેળસેળ યુકત દુધ લોકોને સરાજાહેર પધરાવી જન આરોગ્ય સાથે ખીલવાડ કરાતી હોય છે ત્યારે હાલે ખાદ્ય તેલોનું સ્થાનીકેે થતું વેંચાણ શુદ્ધ છે કે કેમ? તેની પણ સરકાર તપાસ કરાવે તો મસમોટા ભોપાળા બહાર આવી શકે તેમ છે.