સરંક્ષણમંત્રી બન્યાના નવમાં જ દીવસે કચ્છ-સરક્રીકની મુલાકાત સૂચક

નિર્મલા સીતારામને છેવાડાના કચ્છમાં સૈન્યના જવાનો-અધિકારીઓથી રૂબરૂ થઈ તેમના મનોબળમાં કર્યો વધારો :સરક્રીકની હોવરક્રાફટ તથા હવાઈથી કર્યુ નીરીક્ષણ : આર્મીના ચીફ બીપીન રાવલ-સધન વેસ્ટર્ન કમાન્ડના એરફોર્સના વડા પણ રહ્યા સાથે 

ભુજ ઃ દેશના મહિલા સંરક્ષણ મંત્રી એવા નિર્મલા સીતારામન સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ઉડતી મુલાકાતમાં તેમણે નલિયા એરફોર્સ અને સીરક્રીકની મુલાકાત લીધી હતી. હાલ જ કાર્યભાર સંભાળનાર મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન બપોરે સવા ત્રણ કલાકે નલિયા એરફોર્સ મથકે ઉતરાણ કર્યુ હતુ. અને નલિયા એરફોર્સનુ નિરિક્ષણ કર્યુ હતુ. અહીં આર્મિના યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.
નલિયાની મુલાકાત બાદ તેમણે સીરક્રીકની પણ મુલાકાત લીધી હતી. સીરક્રિક સરહદનું સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. હાલ જ કચ્છના હરામીનાળામાં બીએસએફના જવાનોએ ર૧ પાકિસ્તાની બોટ અને
પ માછીમારો ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સંરક્ષણ મંત્રીએ લીધેલી આ મુલાકાત અતિ મહત્વની અને સૂચક ગણાવી શકાય. શ્રીમતિ નિર્મલા સીતારામને આર્મીના વડા બિપિનચંદ્ર રાવત સાથે કોસ્ટગાર્ડના હોવરક્રાફટમાં બેસીને જયાં માછીમારોને ઝડપવાની કાર્યવાહી થઈ હતી. તે હરામીનાળા આસપાસની ક્રીક વિસ્તારનું જાત નિરીક્ષણ કર્યું હતું.
તો લખપતના આર્મી કેમ્પ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીરક્રીકની સુરક્ષા માટે ગંભીર હોવાનું જણાવ્યું હતું અને કચ્છમાં ક્રીક સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સજજડ બનાવવામાં આવશે તેવું ભાર પૂર્વક જણાવ્યું હતું.
સૈન્યાના જવાનોમાં આત્મ વિશ્વાસ વધે અને તેમનું મનોબળ દ્રઢ થાય તે માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ સરહદ પર તૈનાત સૈન્યના જવાનો સાથે રૂબરૂ મળીને સંવાદ કર્યો હતો. જવાનોએ પણ ડિફેન્સ મિનિસ્ટરને ઉમળકા ભેર આવકાર્યા હતા. હાલ જમ્મુ કાશ્મીરની સરહદે આર્મી સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બનતા કચ્છની સરહદ આતંકી ત¥વો માટે સોફટ ટાર્ગેટ ન બને તે માટે સરકારે પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવી હોય તેવું આ મુલાકાત પરથી ફલિત થઈ રહ્યું છે. નલિયા અને કચ્છની ક્રિક સરહદની મુલાકાત બાદ તેઓ સાજે સાડા પાંચ કલાકે દિલ્હી પરત જવા રવાના થયા હતા. તેમની આ ટૂંકી અને ઉડતી મુલાકાતની જ સાથે જ બિન સત્તાવાર રીતે એવી પણ વિગતો જાણવા મળી હતી કે, આર્મિ દ્વારા લખપત નજીક આર્મિનું સંરક્ષણ કેન્દ્ર બનાવવા માટે પ૦૦ એકર જેટલી જમીન માટે દરખાસ્ત કરાઈ હતી. પરંતુ હજુ સુધી આ સંદર્ભે કોઈ ગતિવિધિ તેજ બની નથી. જો કે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની આ ટૂંકી મુલાકાતમાં આર્મિને ફાળવવામાં આવનાર જમીન સંદર્ભે ચર્ચા વિચારણા કરીને કાર્યવાહી આગળ વધારવામાં આવી હોવાની વિગતો પણ મળી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનની સાથે આર્મિ ચીફ બિપિન રાવત અને એરફોર્સ વડાએ પણ કચ્છની મુલાકાત લીધી હતી.