સયાજીનગરી કે કચ્છ એક્સપ્રેસનું પરિવહન ગમે તે ઘડીએ રદ્દ થવાની શકયતા

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની બીજી લહેરે સમગ્ર ભારત દેશને ભરડામાં લઈ લેતાં તમામ રાજ્યોમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશમાં કોવિડ દર્દીઓ એક સાથે વધી જતાં સ્થાનિક પ્રશાસન પણ વ્યવસ્થા ઉભી કરવામાં રીતસર દિવસ – રાત દોડધામ કરી રહ્યું છે. તે વચ્ચે લોકો હવે ભયભીત બની રહ્યા છે. ઉપરાંત મોટાભાગના પરિવારોમાં કોરોનાનું સંક્રમણ પ્રવેશી ચુકયું છે. ત્યારે લોકો બિમારીથી બચવા માટે બહાર જવાનું ટાળી રહ્યા છે. મોટાભાગે લોકો ઘરમાં જ રહી પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને વ્યાપક અસર પહોંચી છે. દેશમાં પશ્ચિમ રેલવેએ કોવિડના કારણે અનેક ટ્રેનો રદ્દ કરી નાખી છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ ભયાવહ રૂપ દેખાડતાં લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તેવા સમયે ટ્રેનોમાં મુસાફરીનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. ખાલીખમ દોડતી ટ્રેનો પોસાય તેમ નથી. તેથી ભુજ – મુંબઈની બે પૈકી ગમે તે એક ટ્રેન રદ્દ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.કચ્છ અને મુંબઈની અનેરો નાતો છે, જો કે કોવિડના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ઘટાડી રહ્યા છે. જરૂર હોય તો પોતાના પ્રાઈવેટ વાહનથી મુસાફરી કરી રહ્યા છે, જેના કારણે કોરોનાની બીજી લહેરમાં ભુજથી મુંબઈ દોડતી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓ નહીંવત પ્રમાણમાં જોવા મળે છે. એકતરફ પ્રવાસી ન હોવા છતાં ખાલીખમ ટ્રેનો દોડાવવી પડે છે. બીજીતરફ સ્ટાફ પણ કોરોનાના ભરડામાં આવી ગયો છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે રેલવે વિભાગ ટ્રેનોનું સંચાલન કરી રહ્યો છે. જો કે હવે ખાલી ટ્રેનો દોડાવવી અશકય છે. જેથી બે પૈકી ગમે તે એક ટ્રેન રદ્દ કરવાની તજવીજ વિભાગ દ્વારા આરંભી દેવાઈ છે. આ ઉપરાંત ગાંધીધામથી ઈન્દોર અને જોધપુર તરફ દોડતી ટ્રેનો બંધ કરી દેવાઈ છે. ટૂંકા સમયમાં રેલવે વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.