સમાઘોઘાના પ્રૌઢ પર હુમલો કરી લૂંટ ચલાવનાર લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર

અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે શરૂ કરી છાનબીન

મુંદરા : તાલુકાના સમાઘોઘા અને ભુજપુર વચ્ચે આધેડ પર ધોકા વડે હુમલો કરી રપ હજારની લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારૂઓ બીજા દિવસે પણ પોલીસના હાથમાં આવ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હરજીભાઈ નારણભાઈ ગઢવી (રહે સમાઘોઘા, તા. મુંદરા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, તેઓ સમાઘોઘા પાટિયા અને ભુજપુર વચ્ચેના માર્ગ પર બાઈકથી જતા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને રોક્યા હતા અને તેઓ કંઈ સમજે તે પહેલા ધોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી અને તેઓ પાસે રહેલા રોકડા રૂપિયા રપ હજારની લૂંટ કરી બંને શખ્સો નાસી છુટ્યા હતા. મુંદરા પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવના બીજા દિવસે પણ લૂંટારૂઓ સુધી પહોંચવામાં પોલીસને કોઈ સુરાગ મળેલ ન હતો.