સબસીડીની મશ્કરી બંધ કરો : ખેત પેદાશોના પુરા ભાવ આપો

રાહતના નામે જગતના તાતને લાચાર ન બનાવો

જે ખેડૂત માત્ર ખેતી પર જ નિર્વાહ કરે છે, એ ખેતીના ખર્ચ સામે કંઈ કમાતા નથી : ખેડૂતને એનો પગાર પણ છુટતો નથી : ખેડૂતને એની ખેતપેદાશ (જણસ)ના કે પછી પશુપાલકને એના દૂધ ઉત્પાદનના ભાવ મળતાં નથી : કપાસિયા ખોળ અને ખાણદાણનો હિસાબ માંડો એટલે પશુપાલક ખોટમાં છે : કોરોના કાળમાં કૃષિક્ષેત્રના કારણે જ દેશનો જીડીપી જળવાયું હતું, બાકી બધા વ્યવસાયો તો પાટા પરથી ઉતરી ગયા હતા

(બ્યુરો દ્વારા)ભુજ : રાજય સરકાર દ્વારા ખેડૂતના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મુકી રહી છે, પરંતુ આવી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે રીતસર લાચાર બનવું પડે છે. પછી ભલેને ટેકાના ભાવે ખેતપેદાશોની વેંચણી કરવાની હોય કે, બિયારણ સહિતની ચીજ વસ્તુઓમાં સબસીડીની વાત હોય. સરકારી નિયમોની આંટીઘૂંટી અને જટિલ પ્રક્રિયાથી જગતના તાતને રાહતના નામે લાચાર બનવું પડે છે. આવી પરિસ્થિતિમાં સબસીડી અને ટેકાના નામે કરાતી મશ્કરી બંધ કરી ખેત પેદાશોના પુરા ભાવ અપાય તેવી માંગણી જગતનો તાત કરી રહ્યો છે. ર૦રર ગુજરાત વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગવાની તૈયારીમાં છે. તો સરકારે પણ ખેડૂતોના દરેક પ્રશ્નોના નિકાલ માટે એકશન મોડમાં આવી ગઈ છે. પરંતુ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે, અમને અન્ય સહાય – સબસીડીના બદલે માત્ર અને માત્ર ખેતપેદાશોના સારા – પુરતા ભાવ મળે તે માટે સરકાર પગલું ભરે તે સમયનો તકાજો છે.આ અંગેની વિગતે વાત કરીએ તો હાલના સમયમાં ખેતી કરવી એ એક પ્રકારનો જુગાર સમાન વ્યવસાય બની રહ્યો છે. એક તરફ અનિયમિત વરસાદ અને કુદરતી આફતોનો સામનો કરતા જગતના તાતને આ ઓછું હોય તેમ બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતર સહિતમાં દિન પ્રતિદિન થતા ભાવ વધારા સામે ઝઝુમવું પડે છે. એક એકરે કરાતા ખર્ચ સામે ઉપજની સરખામણી કરવામાં આવે તો ખેડૂતને દરરોજની મજૂરી પણ છુટતી નથી. આવા સમયે સરકાર દ્વારા ખેડૂતને બિયારણમાં સબસીડીની રાહતના નામે રઝળપાટ કરાવી લાચાર કરવું કેટલા અંશે યોગ્ય કહેવાય.? ખેડૂત પાસે રહેલી જમીન પ્રમાણે પ૦ થેલી બિયારણની જરૂરીયાત હોય અને મળે માત્ર પાંચ થેલી મળે તે કેટલા અંશે યોગ્ય કહેવાય. ? સબસીડી નામે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી હોય તેવો નજારો જોવા મળે છે. કારણ કે, ખેડુતને વાવણી માટે બિયારણ જરૂરી હોય ત્યારે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય જેથી ખેડૂતને નાછૂટકે છુટક બજારમાં મોંઘા ભાવે બિયારણ ખરીદવાની નોબત આવે છે. ત્યારે ઘણા ખેડૂતોના મોઢે ઉપરના શબ્દો સાંભળવા મળ્યા છે કે સબસીડીની મશ્કરી બંધ કરી અમે પેદા કરેલ કૃષિ જણસીના પોષણક્ષમ ભાવ આપો, અમારે એ કોઈ પ્રકારની સરકારી સહાય જોઈતી નથી.એક ખેડૂતે નામ ન આપવાની શરતે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે જે માત્ર ખેતી કરે છે. એ ખેતીના ખર્ચ સામે કંઈ કમાતા નથી. ખેડૂતને એનો પગાર પણ છુટતો નથી., અમારા વિસ્તારમાં ૧ મણ બાજરીના રૂા. ર૮૦ ભાવ ઉપજે છે. અત્યારે ૧ મજુર ખેતર પર કામ કરવા બોલાવો એટલે આવવા જવાનું ભાડું, બે ટાઈમ ચા અને બપોરનો રોટલો આપવો પડે છે. કુલ હિસાબ માંડો એટલે ૧ મજુરની પડતર રૂા. ૪પ૦ થાય છે. એ મજુર ખેતરમાં ૮ કલાક કામ કરે છે. વીસ વર્ષ પહેલા ૧૦ કિલો બાજરી કે ૧૦ કિલો ઘઉં સામે ખેતરે પર ૧ મજુર કામે આવતો હતો. ખેડૂતને એની જણસીના કે પછી પશુપાલકને એના દૂધ ઉત્પાદનના ભાવ મળતાં નથી. કપાસિયા ખોળ અને ખાણદાળનો હિસાબ માંડો એટલે પશુપાલક ખોટમાં છે.
ડીઝલ-પેટ્રોલના ભાવ વધે એટલે ટ્રેકટરવાળો કે વાહનવાળો ભાડામાં વધારો કરી દે છે. શેર લઈ શેર ખાવાવાળાને નુકશાનનો ભાર વંઠારવો પડે છે એ સમયે ડિઝલનો ભાવ પ્રતિ લિટરનો રૂા. ૩૦ અને પેટ્રોલનો ભાવ રૂા. ૪ર હતો ત્યારે ૧૦ કિલો બાજરીમાં મજુર કામે આવતા હતા.બાજરી અને ઘઉંના ભાવ કેટલા વધ્યા ? એ હિસાબ બેસતો નથી. અન્ય મોઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. ખેતી ઉપરાંત જેની પાસે અન્ય સાઈડ બિઝનેસ છે તેવા ખેડૂતો ટકી રહ્યા છે, પરંતુ જેની પાસે માત્ર ખેતી એક જ ધંધો છે. એવા ખેડૂતને ખેતીમાં કશું વળતર બચતું નથી. સરકારને કહી અમારે તમારી કોઈ સબસીડી જોઈતી નથી. પેદા કરેલ જણસીના પુરતા ભાવ અપાવો એટલો ગણું છે.