સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી : કેન્દ્રને મોકલાવાશે અહેવાલ

મુંબઈઃ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ) દ્વારા વિસ્ફોટકો જપ્ત કરવાના કેસમાં ધરપકડ કરાયેલા પાંચ જણની કડી હિન્દુત્વવાદી સનાતન સંસ્થાના સમર્થકો સાથે હોવાનું મહારાષ્ટ્ર સરકારને જાણવા મળ્યું છે અને આ અંગેની વિગતો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે જેથી સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકી શકાય, એમ પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. રાજ્ય સરકારે કેન્દ્રને ૨૦૧૫માં જ સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માહિતીઓ મોકલવામાં આવતા સંસ્થા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર દબાણ આવી શકે છે, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટકો જપ્ત કરવા પ્રકરણે વૈભવ રાઉત, શરદ કાલસકર, સુધાનવા ગોંધલેકર, શ્રીકાંત પંગારકર અને અવિનાશ
પવાર એમ પાંચ જણની ધરપકડ કરાઇ હતી. ‘તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા
પાંચેયની કડી સનાતમ સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ (એચજેએસ)ના સમર્થકો તથા હિન્દુત્વ સંસ્થાઓ સાથે હોવાનું જાણવા મળ્યું છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.