સત્વરે પ્રોજેકટ પૂર્ણ કરી લાભાર્થીઓને પાણી પહોંચાડવા મંત્રીશ્રીની સૂચના :રૂ.૪૯.૨૪ કરોડના સુવઈ ડેમ પ્રોજેકટની કંથકોટ ખાતે જાત માહિતી મેળવતાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

ગ્રામજનો સાથે પાણીના મુદે્ ચર્ચા અને પ્રોજેકટનું નિરીક્ષણ કરતાં મંત્રીશ્રી

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે રાપર તાલુકાના કંથકોટ ખાતે રૂ.૪૯.૨૪ કરોડના સુવઈ ડેમ પ્રોજેકટની મુલાકાત લઇ પીવાના પાણીના પ્રશ્નો અને પ્રોજેકટની જાત માહિતી મેળવી હતી. પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રાપર તાલુકામાં સુવઈ ડેમ આધારિત જુથ પાણી પુરવઠા યોજના હેઠળ સરફેસ સોર્સ દ્વારા મળનારા પીવાના શુધ્ધ પાણીની વિગતો વિગતે મેળવી હતી. મંત્રીશ્રીએ આ તકે લાભાર્થી ગામોના સરપંચશ્રી કંથકોટના ખેંગારભાઇ સંઘાર, જડશાના રૂપાભાઇ કોળી તેમજ વામકા, હાલરા, તોરણીયા તેમજ રામપર અને વીજપરાના સરપંચશ્રી સાથે પાણી પ્રોજેકટ મુદે્ સમીક્ષા કરી હતી. ભચાઉ ૮ અને રાપરના ૧૪ છેવાડાના ગામો અને ૨૮ વાંઢના સુવઈ ડેમ પ્રોજેકટની પાણીની સુવિધા મળશે. રાપર તાલુકાના કંથકોટમાં આવેલો સુવઇ ડેમ નર્મદા કેનાલ સાથે જોડાયેલ છે. જેથી આ ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ના હોય તો પણ આ ડેમ નર્મદા પાણીથી ભરી શકાય છે. રાપર અને ભચાઉ તાલુકાના ગામો જયાં સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર પીવાના પાણીની સુવિધા ન હતી તેને પીવાનું શુધ્ધ પાણી મળશે. ઉપસ્થિત પાણી પુરવઠાના અધિક્ષક ઈજનેરશ્રી વનરાને તેમજ પ્રોજેકટ સંભાળતી કંપનીના અધિકારીઓને મંત્રીશ્રીએ ડિસેમ્બર ૨૦૨૧ સુધી આ કામગીરી સત્વરે પુરી કરવા જણાવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ પ્રગતિમાં છે એવા કામો પૈકી સંપ પર કામગીરીનું જાત નિરીક્ષણ કર્યુ હતું. કચ્છ જિલ્લાના રાપર ભચાઉ તાલુકાના પાણી બાબતે જાત મુલાકાતે આવેલ મંત્રીશ્રીએ રસ્તામાં રામવાવ ત્રંબો રોડ પર રામવાવ ખાતે ચાલી રહેલી પાઇપલાઇન બાબતે નિરીક્ષણ કરી કામગીરી બાબતે વિભાગના અધિકારીને પૃચ્છા કરી હતી. તેમજ ત્રંબો ગામ ખાતે સરપંચશ્રી કેશાભાઇ કોળી, અગ્રણી હિરાભાઇ કોળી, ડોલરભાઇ ગોર, નાનજીભાઇ કોળી, રામદેવભાઇ ગોર સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ત્રંબો ખાતે મંત્રીશ્રીએ ગામ અગ્રણીઓ સાથે પાણી અંગે ચર્ચા કરી હતી. કંથકોટ સાથે મંત્રીશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અગ્રણીશ્રી અરજણભાઇ રબારી,  કાનજીભાઇ ગોહિલ, ખેડુકા વાંઢના ભીખાભાઇ અણદાભાઇ ગોહિલ, ભચાઉ ડેપ્યુટી ઈજનેરશ્રી આર.જે.જાડેજા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સૌરભ શાહ, સબ ડિવીઝન રાપરના એમ.બી. પરમાર, વાયકોસ કંપનીના નિરવભાઇ, લાલજીભાઇ, દુષ્યંતભાઇ તેમજ યશ કંપનીના વાસુભાઇ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.