સતત બીજા દિવસે કચ્છ-મુંબઈનો રેલ વ્યવહાર પ્રભાવિત કચ્છ એક્સપ્રેસ વલસાડ જ્યારે સયાજીનગરી દહાણુ સ્ટેશને અટકાવાઈ

બંને ટ્રેનો અહીંથી જ સાંજે પરત ફરશે કચ્છ : વિરાર, પાલઘર, વસઈના ટ્રેકો હજુ પણ પાણીમાં ગરકાવ : પ્રવાસીઓની હાલાકીનો અંત નથી દેખાતો : ભારે વરસાદથી મોબાઈલ નેટવર્ક પણ જામ થતા પરિવારજનોમાં પણ ચિંતા : વલસાડ- વાપી સ્ટેશને પ્રવાસીઓની મદદે આવ્યા કચ્છી સંસ્થાઓના કાર્યકરો

 

ભુજ : મુંબઈમાં પડેલા ભારે વરસાદના લીધે સતત બીજા દિવસે કચ્છનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. વિરારથી વસઈ સુધીનો ટ્રેક હજુ પણ પાણીમાં ગરકાવ હોવાની સાથે દહાણુથી આગળ ભારે વરસાદ હોઈ સયાજીનગરી દહાણુ સુધી જ પહોંચી હતી. તો કચ્છ એક્સપ્રેસને વલસાડ સ્ટેશને અટકાવાઈ હતી. આ બંને ટ્રેનો સાંજે અહંથીજ પરત કચ્છ ફરશે. આ અંગેની વિગતો મુજબ ગઈકાલે
રાત્રે ભુજથી નીકળેલ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી આજે તેના નિર્ધારીત સમયથી કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં વરસાદે વિરામ લીધો હોવા છતા વિરાર, પાલઘર, વસઈના ટ્રેલ હજુ પણ પાણીમાં ગરકાવ છે. તો બીજી તરફ દહાણુ વિસ્તારમાં ભારે વરસાદ હોઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. સયાજીનગર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોઈ ભારે વરસાદના પગલે રેલ્વે તંત્ર દ્વારા તેને દહાણુ સુધી જ ચલાવવાનો નિર્ણય લેવાતા સાંજે ત્યાંથી જ કચ્છ આવવા ઉપડશે. બીજી તરફ કચ્છ એક્સપ્રસ ૬ કલાક મોડી ચાલી આ ટ્રેન વલસાડ સ્ટેશને અટકાવાતા તે ત્યાંથી સાંજે પરત ફરશે. સતત બે દિવસથી ટ્રેનના રૂટ ટૂંકાવાઈ રહ્યા હોઈ પ્રવાસીઓની તકલીફનો આજે પણ અંત આવ્યો ન હતો.
કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નિલેશ શ્યામ શાહે જણાવ્યું સયાજીનગરી તેના નિર્ધારીત સમયથી ૪ કલાક મોડી ચાલી રહી છે. દહાણુ પાસે ભારે વરસાદ હોઈ આ ટ્રેન દહાણુથી આગળ નહી વધે અને ત્યાંથી જ પરત કચ્છ ફરશે. જ્યારે કચ્છ એક્સપ્રેસ પણ ૬ કલાક મોડી હોઈ તેને વલસાડ સુધી ટુંકાવાતા તે પણ ત્યાથીજ પરત ફરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રવાસી સંઘની અપીલને માન આપી આજે પણ વલસાડ- વાપી સ્ટેશને પ્રવાસીઓની મદદ માટે કચ્છી સંસ્થાઓના કાર્યકરો પહોંચી ગયા હતા.