સણોસરામાં જમીન બાબતે યુવાનને માર મરાતા સારવાર તળે

ભુજ : તાલુકાના સણોસરા ગામે ઉપલાવાસમાં ત્રણ શખ્સોએ જમીન બાબતે યુવાનને માર મારતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સણોસરામાં રહેતા પચાણભાઈ રબારી (ઉ.વ.ર૬) ને માર મારવામાં આવતા ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભોગગ્રસ્તના પિતાએ લખાવેલી કેફિયત મુજબ મેજા પાલા રબારી, પાલા નથુ રબારી, શનિભાઈ લાખા રબારીએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સો દ્વારા ઈજાગ્રસ્તને જમીન બાબતે અવારનવાર માનસિક ત્રાસ અપાતો હતો. દરમ્યાન ગત સાંજે આવેલા ત્રણેય શખ્સોએ ધકબુશટનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે માનકુવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.