સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ કચ્છ બોર્ડર પર ર૦૦ બંકરમાં લાગશે કુલર

દિવાળીના દિવસે સીએમ વી.રૂ.એ કરેલી જાહેરાતનું અમલીકરણ : કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ રૂા.૧૦ લાખની ફાળવી છે ગ્રાન્ટ

ભુજ : કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કચ્છના અફટ રણમાં રખેવાડી કરતા બીએસએફના જવાનોના બંકરમાં ર૦૦ જેટલા કુલર લગાડવામાં આવશે. સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ જ કુલર લગાડીને તેનું ઈનોગ્રેશન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત દિવાળીની ઉજવણી કરવા કચ્છની સરહદે આવ્યા હતા. સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈ વહેચીને દિવાળી મનાવી હતી. તે વખતે કચ્છના રણ વિસ્તારમાં આવેલી બીએસએફના બંકરોમાં કુલર લગાડવાની જાહેરાત કરી હતી અને આ માટે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ કુલર માટે રૂા.૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારે લખપતથી રાપરના સરહદી વિસ્તારો સુધી બીએસએફના ર૦૦ જેટલા બંકરો છે. તેમાં ર૦૦ કુલર લગાડવામાં આવશે. આ અંગે બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતા સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જે રીતે જાહેરાત થઈ હતી તે મુજબ ર૦૦માંથી ૪૦ કુલર આવી ગયા છે અને સાંસદની ગ્રાન્ટમાંથી રકમ ફાળવાય આયોજનમાંથી અમલીકરણ અધિકારીને સુપરત થતા અન્ય કુલર મંગાવવામાં આવશે. ૪૦ કુલર આવી ગયા બાદ તમામની એક સાથે ફિટીંગ કરી દેવાશે અને સંભવત સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ ટુંક સમયમાં જ કચ્છની રણકાધીએ આવેલ બીએસએફના બંકરો પર લાગનાર કુલરોનું ઈનોગ્રેશન કરવા કાર્યક્રમ યોજાશે તેવું ડીઆઈજી આઈ.કે. મહેતાએ ઉમેર્યું હતું.