સંભવિત વાવાઝોડાને પગલે માંડવી ખાતે પ્રાંત અધિકારી દ્વારા બેઠક

વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી અને પોલીસ તંત્રના અધિકારી-કર્મચારીઓ સાથે ચર્ચા : જો વાવાઝોડુ કચ્છ પર ત્રાટકે તો લોકોને સ્થળાંતરીત કરવા બાબતે વિચારણા

માંડવી : તાલુકાના મામલતદાર કચેરી ખાતે માંડવી મુંદરાના પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીની અધ્યક્ષતામાં તૌકતે વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં વહીવટી અધિકારી, કર્મચારીઓ, પોલીસ અધિકારી કર્મચારીઓ સહિતના જોડાયા હતા. અરબી સમુદ્રમાં વોલમાર્ક લો-પ્રેસર આજે ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. અને આગામી દિવસોમાં વાવાઝોડામાં પરિવર્તીત થઈને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ટકરાવાની સંભાવનાઓ છે. ત્યારે સંભવિત વાવાઝોડાની આગોતરી તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. ત્યારે માંડવી ખાતે પ્રાંત અધિકારી કે.જી ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. જેમાં વાવાઝોડાની પૂર્વ તૈયારી ઉપરાંત વાવાઝોડા દરમિયાન અને તેના પછી શું કાર્યવાહી કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ તૈયારીના ભાગરૂપે હવામાન ખાતા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આવતી સુચનાઓને અનુસરીને પગલા લેવામાં આવશે. જરૂર જણાય કાંઠાળ વિસ્તારના ગામડાઓમાં વસતા લોકોને સ્થળાંતરીત કરવા પડે તો કયા સ્થળોએ તેમને આશ્રય આપવો, અને કયા કયા પ્રકારની સવલતો ઉભી કરવી તે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. લોકોને સ્થળાંતરીત કરવા સહિતની કાર્યવાહીમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા બાબતે પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં મામલતદાર જે.કે રાવલ, ટીડીઓ વી.બી ગોહીલ, સીટી પીઆઇ આર.સી ગોહીલ, મરીન પીઆઇ એમ.એન ચૌહાણ, તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર કૈલાસપતિ પાસવાન, કાનજીભાઇ શીરોખા સહિત તંત્રની ટીમો અને સ્ટાફ ચર્ચામાં હાજર રહ્યો હતો.