સંભવિત ત્રીજી લહેર આવે તો બાળકોની સારવાર કોણ કરશે ? : કચ્છમાં બાળરોગ નિષ્ણાંત તબીબોની ઘટ સર્જશે મોતનું તાંડવ

કોરોના મહામારીની બીજી લહેરમાં જ આરોગ્ય વિભાગ માટે ‘એક સાંધે ત્યાં તેર તુટે’નો સર્જાયો હતો તાલ : કચ્છ સહિત રાજયભરમાં બાળકો સંક્રમિત થયા તો તબીબી અછતથી ‘આભને થીગડા મારવા’ સમાન સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં : બાળદર્દીની સારવાર કરાવવા મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં કરવી પડશે રઝળપાટ

ભુજ : રાજયમાં હજુ તો કોરોનાની બીજી લહેર સમી નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા વાગતા સરકારને માથે પ્રેશર આવ્યું છે. કારણ કે બીજી લહેરમાં માંડ માંડ ઉગર્યા છીએ તેવામાં ત્રીજી લહેર આવી જતા લોકોને સારી સારવાર કેવી રીતે આપવી. વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમીત બની શકે છે. આવા સંજાેગોમાં જાે બાળકોમાં કોરોના વકરશે તો તેઓની સારવાર માટે બાળરોગ નિષ્ણાંતની તાતી જરૂરીયાત ઉભી થશે. બીજી લહેરમાં સરકારી ચોપડે કોરોનાથી મોતના ભલે ર૭૦ જેટલા કેસો નોંધાયા હોય પણ જાણકારો દ્વારા ૯ હજાર મોતના દાવા – આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે ત્રીજી લહેરમાં બાળરોગ નિષ્ણાંત તબીબોની ઘટ જિલ્લામા મોતનું તાંડવ સર્જી શકે તેવી ભીતિ વ્યકત કરાઈ રહી છે.

આ અંગેની વિગતો મુજબ નિષ્ણાત તબીબોએ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં તો ૪૦૦થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયાં છે. આ સંજાેગોમાં ગુજરાતમાંય વાલીઓ ચિંતિત બન્યાં છે. મહત્વની વાત તો એ છે કે, રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળ રોગ નિષ્ણાત ડૉક્ટરોની કમી છે જેના કારણે જાે ત્રીજી લહેર આવે તો બાળકોની સારવારને લઇને અત્યારથી સવાલો ઉઠયાં છે કેમકે, જિલ્લા કક્ષાએ સરકારી હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. કોરોનાની મહામારી સામે ગુજરાતે ઝીંક ઝીલી છે જેના કારણે હવે માંડમાંડ કેસો ઘટી રહ્યા છે. આગામી દિવસોમાં ત્રીજી લહેર આવી શકે છે તેવી શક્યતા છે ત્યારે ખાસ કરીને બાળકો સંક્રમિત થઇ શકે છે તેવી ભીતિએ વાલીઓને ભયભીત કર્યા છે.

કચ્છની જાે વાત કરીએ તો અહીં આરોગ્ય સેવાના નામે ભુજની એકમાત્ર જી.કે. જનરલ હોસ્પિટલ છે. જાે કે ૮૦૦ બેડની આ હોસ્પિટલમાં મોટા ભાગના વોર્ડ કોવિડમાં ફાળવી દેવાતા નિષ્ણાંત તબીબોની ઘટ્ટ છે. જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો આવેલી છે. સામાન્ય દિવસોમાં અહીં મેડીકલ ઓફિસર, આયુષ ઓફિસર, સ્ટાફ નર્સ, હેલ્થ વર્કરની ઘટ વર્તાતી હોય છે જેના કારણે બીજી લહેરમાં આરોગ્ય વિભાગને હાથમાં જાેબનું ફરફરીયું લઈ સ્ટાફને ગોતવા નિકળવું પડયું હતું. આમ પણ કચ્છનું આરોગ્ય સ્ટાફ ઘટથી પીડિત છે. આવામાં બાળરોગ નિષ્ણાંતો પુરી સંખ્યામાં નહીં હોય તેવું માનવું અતિશ્યોક્તિભર્યું નહીં ગણાય. જાે સંભવતઃ ત્રીજી લહેરના કારણે કચ્છ સહિત રાજયભરમાં બાળકો સંક્રમિત થયા તો તબીબી અછતથી ‘આભને થીગડા મારવા’ સમાન સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં કહેવાય. ઉપરાંત બાળદર્દીની સારવાર કરાવવા મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં રઝળપાટ પણ કરવી પડશે. જેથી ત્રીજી લહેરના આયોજન સાથે બાળરોગ નિષ્ણાંત તબીબોની ભરતી કરવી પણ જરૂરી છે.

ભૂતકાળમાં ભુજની જી.કે.માં નવજાત શીશુઓના મોતનું થયું હતું તાંડવ

ભુજ : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે આપને યાદ અપાવી દઈએ ભૂતકાળમાં ત્રણેક વર્ષ પૂર્વે ભુજની જી.કે. જનરલમાં નવજાત શીશુઓના મોતનું તાંડવ સર્જાયું હતું. પ્રેગનેન્ટ મહિલા જી.કે.માં દાખલ થાય અને સ્ટાફની કથિત બેદરકારીથી દરરોજ નવજાત બાળકો મોતના મુખમાં ધકેલાતા હતા. તે સમયે જી.કે.માં બાળકોના વિભાગમાં ચાલતી લોલમલોલ અંગે રાજયસ્તરે પડઘા પડતા ગાંધીનગરથી તપાસ માટે ટીમો આવી ફોટા પડાવી ચાલી ગઈ હતી. પણ મોટી સંખ્યામાં બાળકો મોતને ભેટતા લોકોએ તો જી.કે.ને કતલખાનું લેખાવી સારવાર લેવાનું ઈન્કાર પણ કર્યો હતો. ત્યારે હજુ પણ સમય છે. જી.કે.માં બાળકોની સારવાર માટે પદ્ધતિ સરની મજબુત ટીમ સાથે જરૂરી સવલતો વિકસાવવામાં આવે તે જરૂરી છે. અન્યથા વર્ષો પૂર્વે સર્જાયેલી ઘટના ફરી બને તો જવાબદાર કોણ રહેશે. ?